(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Elections: ગુજરાતમાં આજે ચૂંટણી જાહેરનામું બહાર પડશે, 19મી એપ્રિલ સુધી નોમિનેશન ફાઈલ કરી શકાશે
દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે અને 7 તબક્કા બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર થશે.
Lok sabha Election 2024: ગુજરાતમાં શુક્રવારથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. ચૂંટણી પંચ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 12 એપ્રિલે જાહેરનામું બહાર પાડશે. આ સાથે ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાનો તબક્કો શરૂ થશે જે 19 એપ્રિલ સુધી ચાલશે. 20 એપ્રિલે નામાંકન પત્રોની ચકાસણી થશે, જ્યારે 22 એપ્રિલ સુધી નામો પરત ખેંચી શકાશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થશે.
દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે અને 7 તબક્કા બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર થશે. ભાજપે ગુજરાતમાં તેના તમામ 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ તમામ કેન્દ્રીય મંત્રીઓ અને અગ્રણી નેતાઓના નામાંકન માટેની તારીખ પણ નક્કી કરી છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદર, 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, 16 એપ્રિલે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ નડિયાદમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ 18 એપ્રિલે નવસારીમાં ઉમેદવારી નોંધાવશે.
જ્યારે કોંગ્રેસ રાજ્યમાં 24 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે સમજૂતી હેઠળ આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચની બે બેઠકો આપી છે. રાજ્યની ચાર બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ હજુ જાહેર થયું નથી, જેમાં રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારી બેઠકોનો સમાવેશ થાય છે. બુધવારે અમદાવાદની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે પાર્ટી ટૂંક સમયમાં રાજ્યની બાકીની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટીએ તેની બે બેઠકો માટે ભરૂચથી ચૈત્ર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાના નામ ફાઈનલ કરી દીધા છે.
કેટલી બેઠકો પર મતદાન ક્યારે થશે?
આગામી 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 107 બેઠકો પર મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 89 બેઠકો પર 26 એપ્રિલે મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ 94 બેઠકો માટે થશે. ચોથા તબક્કા માટે 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થશે.
પાંચમા તબક્કાની ચૂંટણી 20 મેના રોજ યોજાશે, જેમાં 49 લોકસભા બેઠકો માટે મતદાન થશે. છઠ્ઠા તબક્કાની ચૂંટણી 25 મેના રોજ યોજાશે, જે દરમિયાન 57 બેઠકો માટે મતદાન થશે. સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 1 જૂને યોજાશે, જેમાં 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.