Banaskantha: દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની આજે નીકળશે અંતિમ યાત્રા, ગંગવા ગામમાં થશે અંતિમવિધિ
બનાસકાંઠાના દાંતાનાં રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજી પરમારની આજે 10 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે
બનાસકાંઠાના દાંતાનાં રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજી પરમારની આજે 10 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. 75 વર્ષની વયે રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગંગવામાં આવેલા સ્મશાન ગૃહમાં મહારાજાના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવશે.
મહારાણા મહિપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા. મહારાણા મહિપેન્દ્રસિંહજીના નિધનથી સમગ્ર દાંતા સહિત પંથક શોકનો માહોલ છવાયો હતો. સ્ટેટ ઓફ દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની અંતિમ પાલખી યાત્રા દાંતાથી ગંગવા ગામે જશે. ગંગવા ખાતેનાં સ્મશાન ગૃહમાં મહારાજાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ મા અંબાના પરમ ભક્ત હતા અને દાંતા રાજવી તરીકે એક વિશેષ પૂજા અર્ચના અંબાજીમાં કરવામાં આવતી હતી
દાંતા સ્ટેટ સમયથી મહારાજા મહિપેન્દ્રસિહની આસપાસના વિસ્તારમાં ભામાશા તરીકેની ઓળખ હતી. તેઓ ક્રિકેટના શોખીન હતા. તેમણે સૌ પ્રથમ દાંતા ખાતે ઓસ્ટ્રેલિયન ટીમને ઉતારી હતી. પ્રજામાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવા શિક્ષણ ક્ષેત્રે તેમણે અનેક કાર્યો કર્યા હતા. તેઓએ દાંતા કેળવણી મંડળ અને સરભવાની સિંહ વિદ્યાલયના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી.
નોંધનીય છે કે, દાંતા રજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું.
ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.