ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય, જાણો
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23માં લેવાયેલ વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેના તા 21 /09 / 2019 ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે. આ નિર્ણયને કારણે ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિધાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત ( વાર્ષિક ) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિધાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહી.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી કરી
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે કચ્છ અને કંડલામાં હીટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન પહોંચવાનું અનુમાન છે. સતત ત્રીજા દિવસે અમદાવાદ, ખેડા અને આણંદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે.
વડોદરા, પંચમહાલ, મહેસાણામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. કાળઝાળ ગરમીને જોતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે. સખત ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જો જરૂરી હોય તો છત્રી સાથે રાખો અથવા સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ટુવાલ, સ્કાર્ફ વગેરેથી ઢાંકીને બહાર નીકળો. આ સાથે જ ખુલ્લા પગે તડકામાં બહાર જવાનું ટાળો, પીવામાં વધારે પાણીનું સેવન કરો, ORS વગેરે લો, મોસમી જેવા ફળો અને શાકભાજી ખાઓ. મહાનગરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા રસ્તાઓ સૂમસામ બન્યા છે. લોકો બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.