Morbi bridge collapse: મોરબીના બ્રિજનું રીનોવેશન ગુજરાતની કઈ જાણીતી કંપનીને અપાયેલું ? બ્રિજ તૂટતાં કંપનીના એમ.ડી. ગાયબ.......
આ અકસ્માતમાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે.
મોરબીઃ મોરબીમાં મચ્છુ નદી પરનો હેગિંગ બ્રિજ રિનોવેશન પછી લોકો માટે ખુલ્લો મૂકાયો તેના પાંચ જ દિવસમાં તૂટી પડતાં 140થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું મનાય છે. આ બ્રિજ તૂટતાં ગુજરાતની જાણીતી કંપની ઓરેવાની આબરૂનો ધજાગરો થઈ ગયો છે. આ દુર્ઘટના પછી ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ ગાયબ થઈ ગયા છે.
મીડિયાએ જયસુખ પટેલનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ જયસુખ પટેલ કે ઓરેવા કંપની સાથે સંકળાયેલા બીજા કોઈ લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. કંપનીએ આ દુર્ઘટના અંગે સત્તાવાર રીતે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી કે નિવેદન આપ્યું નથી. હાલ કોઈના સંપર્કમાં નથી. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બ બનાવનારી જાણીતી કંપની ઓરેવાએ બ્રિજના રીનોવેશન માટે 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
મોરબી નગરપાલિકાએ હજી છ મહિના પહેલાં જ હેગિંગ બ્રિજના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીને આપ્યો હતો. રિનોવેશન પહેલાં બ્રિજને છ મહિના માટે બંધ રાખવામાં આવ્યો હતો. ઓરેવા કંપનીએ બેસતા વર્ષના દિવસે પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો ત્યારે બહુ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલને રિનોવેટ કર્યાનો દાવો કર્યો હતો. આ દાવો સાવ પોકળ સાબિત થયો છે.
નોંધનીય છે કે, આ અકસ્માતમાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે.
દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હજુ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
ગુજરાતના મોરબીમાં રવિવારે લટકતો બ્રિજ ધરાશાયી થયો હતો, જેના કારણે બ્રિજ પરના 500 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ અકસ્માતમાં તરવું જાણતા કેટલાક લોકો નદીમાં તરીને બહાર આવ્યા હતા. આ લોકોએ માત્ર સ્વિમિંગ કરીને પોતાનો જીવ તો બચાવ્યો પરંતુ અન્ય ઘણા લોકોના જીવ પણ બચાવ્યા જેમને તરવાનું આવડતું ન હતું. આ દુર્ઘટના બાદ લોકો નદીમાંથી તરીને બહાર આવતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ તેના સોશિયલ મીડિયાના ટ્વિટર પ્લેટફોર્મ પરથી અકસ્માત બાદ આ વીડિયો જાહેર કર્યો છે. આ અકસ્માત રવિવારે સાંજે લગભગ સાત વાગ્યે થયો હતો. મચ્છુ નદી પર નવનિર્મિત કેબલ બ્રિજ ત્રણ દિવસ પહેલા ખુલ્લો મુકાયો હતો. આ અકસ્માત દરમિયાન છઠની પૂજા માટે બ્રિજ ઉપર લોકો હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસ પહેલા જ આ સ્વિંગ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.