રાષ્ટ્રીય એકતા દિવસ 2025: સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે Statue of Unity ખાતે 'એકતા પ્રકાશ પર્વ' ની ભવ્ય ઉજવણી
Statue Of Unity: આગામી 31 ઓક્ટોબર, 2025 ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવશે.

National Unity Day 2025: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ (31 ઓક્ટોબર, 2025) ની પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU), એકતા નગર ખાતે 'એકતા પ્રકાશ પર્વ' ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 17 ઓક્ટોબર, 2025 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે. આ ભવ્ય આયોજનમાં સમગ્ર એકતા નગરને 7.6 કિમી ના વિસ્તારમાં ગ્લો ટનલ અને અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગ થી શણગારવામાં આવશે, જે નાઈટ ટુરિઝમ ને પ્રોત્સાહન આપશે. SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરાએ તમામ ભારતવાસીઓને આ 'એકતા પ્રકાશ પર્વ' દરમિયાન એકતા નગરની મુલાકાત લઈને જીવનભરની યાદગીરી બનાવવા માટે ખાસ અપીલ કરી છે.
એકતા પ્રકાશ પર્વ: 7.6 કિમીમાં લાઇટિંગ અને થીમ આધારિત આયોજન
આગામી 31 ઓક્ટોબર, 2025 ના રોજ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત, 20 ઓક્ટોબર ના રોજ આવનારા દીપોત્સવી પાવન પર્વ ને ધ્યાનમાં રાખીને સંભવતઃ ભારતમાં પ્રથમવાર આ પ્રકારના 'એકતા પ્રકાશ પર્વ' ની ઝળાહળ ઉજવણી કરાશે. આ આયોજન હેઠળ કુલ 7.6 કિમી માં ઇલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. આ ભવ્ય પ્રકલ્પને નાઈટ ટુરિઝમ ને વેગ આપવા અને પ્રવાસીઓને રાત્રિના સમયે વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનન્ય મોકો આપવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યો છે.
આ લાઈટિંગ સજાવટને બે મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે:
ભાગ-1: મુખ્ય માર્ગો અને ડેમ વિસ્તારનું ઇલ્યુમિનેશન
પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો 7 કિમી નો વિસ્તાર આવરી લેવામાં આવશે. આ વિસ્તારમાં લાઈટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ્સ અને વિવિધ સરકારી યોજનાઓ તથા પ્રવાસન સ્થળો ને પ્રદર્શિત કરતી અદભૂત લાઈટિંગ કરવામાં આવશે. મુખ્ય માર્ગો પરની તમામ ઈમારતો અને વૃક્ષો ને પણ વિશેષ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે. વધુમાં, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરાયેલા ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો નું આયોજન કરવામાં આવ્યું છે, જે ડેમ વ્યૂ-પોઈન્ટ 1 પરથી નિહાળી શકાશે. આનાથી રાત્રિ રોકાણ કરનારા પ્રવાસીઓને દિવસ અને રાત બંનેનો અદ્ભુત નજારો માણવાનો મોકો મળશે.
ભાગ-2: થીમ આધારિત ગ્લો ટનલ અને સેલ્ફી પોઈન્ટ
બીજા ભાગમાં મુખ્યત્વે વેલી ઓફ ફ્લાવર તરફના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
530 મીટર લંબાઈના માર્ગ: આ માર્ગને 13 અલગ-અલગ ભાગોમાં થીમ આધારિત સીલિંગ લાઈટ થી સજાવવામાં આવશે. અહીં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહો જેવી થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લાગશે. સાથે જ, ઓપરેશન સિંદૂર અને ઈસરો જેવી થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ/ફોટો બૂથ પણ સ્થાપિત કરવામાં આવશે.
140 મીટર લંબાઈનો વૉક-વે: વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા આ વોક-વેને 7 અલગ-અલગ થીમ આધારિત 'ગ્લો ટનલ' માં પરિવર્તિત કરવાની યોજના છે. આ થીમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, ધાર્મિક સ્થળો અને અંતરિક્ષ નો સમાવેશ થશે.





















