રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, આગામી 5-7 દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં
છેલ્લા ઘણા સમયથી નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાતો હતો પરંતુ આજે નર્મદા ડેમની જળસપાટી વધી છે.
રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આગામી પાંચથી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ કે હાલ ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેથી આગામી પાંચથી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. પણ અમદાવાદમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી.
નર્મદા ડેમની જળસપાટી વધી
છેલ્લા ઘણા સમયથી નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાતો હતો પરંતુ આજે નર્મદા ડેમની જળસપાટી વધી છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 15 સેંટીમીટર વધારો થયો છે. હાલ ડેમની જળસપાટી વધી 116.41 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 13 હજાર 753 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી 13 હજાર 627 ક્યુસેક પાણીની જાવક છે. હાલ કુલ પાણીનો સ્ટોરેજ 4 હજાર 405.23 મિલિયન ક્યુબિક મીટર છે.
નવસારી જિલ્લાના ડેમ તળિયાઝાટક થવાના આરે
નવસારી જિલ્લમાં સારા વરસાદની આગાહી વચ્ચે સામાન્ય વરસાદ પડ્યો છે. તો ઉપરવાસમાં પણ માફક વરસાદ જ વરસતા જિલ્લાની જીવાદોરી ગણાતા વાંસદા તાલુકામાં કેલીયા અને જૂજ ડેમમાં માત્ર નજીવી આવક જ થઈ છે. નજીવા નીરની જ આવક થતા હવે નવસારી જિલ્લાના ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. જૂજ ડેમમાંથી જિલ્લાના 20થી વધુ ગામને પાણી પૂરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત સિંચાઈનું પાણી જ અહીંથી આપવામાં આવે છે.
નવસારી જિલ્લામાં હજુ સુધી સિઝનનો માત્ર 28 ટકા જ વરસાદ નોંધાયો છે. તો જૂજ ડેમમાંથી જ વાંસદા અને ચીખલી તાલુકાના 17 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરૂ પાડવામાં આવે છે. એક તરફ નવસારીમાં 21 દિવસથી વરસાદનું ટીપુય વરસ્યું નથી તો ડેમના કેચમેંટ એરિયામાં પણ વરસાદ વરસ્યો નથી. જ્યારે ડેમમાં પાણીનો જથ્થો 48 ટકા છે. અગાઉ પડેલા વરસાદના કારણે ખેડૂતોએ પાકનું તો વાવેતર કરી નાંખ્યું હવે ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત છે. ત્યારે ખેડૂતો પણ ચિંતાતૂર બન્યા છે. આવી જ સ્થિતિ કેલીયા ડેમની છે.