આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે
શનિવારે બનાસકાંઠા, સુરેંદ્રનગર, રાજકોટ, અને કચ્છમાં તો રવિવારે સુરેંદ્રનગર, રાજકોટ અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આજથી પ્રંચડ ગરમીના વધુ એક રાઉંડનો પ્રારંભ થશે. હવામાન વિભાગે આગાહી કરતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં શનિવાર અને રવિવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ગરમીના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ત્યાર બાદના બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ફેરફારની કોઈ સંભાવના નથી.
શનિવારે બનાસકાંઠા, સુરેંદ્રનગર, રાજકોટ, અને કચ્છમાં તો રવિવારે સુરેંદ્રનગર, રાજકોટ અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાજ્યમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ભૂજમાં ગરમીનો પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી, રાજકોટમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી, તો પાટનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 40.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વલ્લભવિદ્યાનગરમાં 39.3 ડિગ્રી અને ભાવનગરમાં ગરમીનો પારો 38.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.
આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી
દેશના ખેડૂતો સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. આ આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે. ભારતીય હવામાન વિભાગના અનુસાર ગુજરાત સહિત આ વર્ષે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના મતે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં 96 થી 104 ટકા વરસાદ રહેશે.
ભારતીય હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી કે દેશભરમાં સારો વરસાદ વરસશે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ વરસી શકે છે. તો પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના અનુસાર ચોમાસાની સાથોસાથ લા નીનાની પણ અસર દેખાશે. લા નીનાના કારણે ભારતમાં ભારે ઠંડી અને વરસાદની સંભાવના વધી જાય છે. કૂલ મળીને ભારતમાં સતત ચોથા વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. ખાનગી એજંસી સ્કાયમેટે પણ આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ વરસાદની આગાહી કરી છે.