Botad: બરવાળાના ભીમનાથમાં પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાની હત્યાથી ખળભળાટ
બોટાદના બરવાળા તાલુકાનું ભીમનાથ ગામ જ્યાં પાટીદાર અગ્રણીની હત્યા કરી દેવાતા સનસની મચી ગઈ છે. મૃતક ધરમશીભાઈ મોરડિયા ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી હતા.
બોટાદ: બોટાદના બરવાળા તાલુકાનું ભીમનાથ ગામ જ્યાં પાટીદાર અગ્રણીની હત્યા કરી દેવાતા સનસની મચી ગઈ છે. મૃતક ધરમશીભાઈ મોરડિયા ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી હતા. સાથે જ અન્ય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. આજે તેઓ RMS હોસ્પિટલમાં મીટિંગ પૂર્ણ કરી ભીમનાથ ગામમાં પોતાના ઘર પાસે ઉભા હતા. આ સમયે ગામના જ કલ્પેશ મેર નામના વ્યક્તિએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો.
પાટીદાર અગ્રણી ધરમશીભાઈ મોરડિયાને લોહીલુહાણ હાલતમાં RMS હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નોકરીની બાબતે બોલાચાલી કરી કલ્પેશ મેરે ધરમશીભાઈની હત્યા કરી નાખી હતી.
પાટીદાર સમાજના અગ્રણી હતા
બોટાદ જિલ્લાના ધંધુકામાં આવેલા RMS હોસ્પિટલના ટ્રસ્ટીની કરપીણ હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. બરવાળા તાલુકાનાં ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર માટે RMS હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પાટીદાર સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે ધરમશીભાઈ મોરડીયા જોડાયેલા હતા. સમગ્ર મામલે બરવાળા પોલીસ સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.
ધરમશી પટેલ ભીમનાથ ગામે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન ઘરની નજીકમાં જ રહેતા કલ્પેશ સવજીભાઈ મેર નામનો શખસ ત્યાં પહોંચ્યો અને ધરમશી પટેલ સાથે બોલાચાલી કરી હતી. 'તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી જેના કારણે મારા ત્રણ વર્ષ બગડ્યાં છે' તેવું કહીને ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈને આવ્યો. આરોપીએ અચાનક હુમલો કરી દેતા ધરમશી પટેલના માથા-ગળામાં ઈજા થઈ હતી અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા.
ખાનગી હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત
ધરમશીભાઈ પર હુમલો કરી હત્યા નિપજાવનાર કલ્પેશ મેરે દવા પીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. ધરમશીભાઈ પર હુમલો કરી કલ્પેશ મેર પોતાના ઘરે જઈ દવા પીધી હતી. પોલીસ દ્રારા કમલેશ મેરની તપાસ દરમિયાન પોતાના ઘરે દવા પીધેલી હાલતમાં ઝડપાયેલ છે. બરવાળા પોલીસ દ્રારા સારવાર માટે બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસડવામાં આવેલ છે. સારવાર બાદ કલ્પેશ મેરની તબિયત સારી છે. ખાનગી હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.