Porbandar : ભાદર નદીમાં તણાયો યુવક, હેલિકોપ્ટરથી શોધખોળ ચાલું
હેલિકોપ્ટરથી શોધખોળ શરૂ કરાઇ છે. દેરોદર-એરડા વચ્ચેના રસ્તા ઉપર નેરાણાનો ધીરુ ભૂતિયા નામનો યુવાન તણાયો હતો. પોરબંદર દેરોદર ગામ નજીક ભાદરના પાણીમાં તણયેલા યુવાનની હેલિકોપ્ટરથી શોધખોળ કરાઇ રહી છે.
પોરબંદરઃ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા છે. જેને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે પોરબદરના ઘેડમાં આવેલા દેરોદર ગામે ગત રાત્રે યુવાન પાણીમાં તણાયો હતો. રાત્રીના હેલિકોપ્ટરની મદદથી બચાવવાનો પ્રયાસ નિષફળ રહ્યો હતો.
ફરી આજ સવારે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. દેરોદર -એરડા વચ્ચેના રસ્તા ઉપર નેરાણાનો ધીરુ ભૂતિયા નામનો યુવાન તણાયો હતો. પોરબંદર દેરોદર ગામ નજીક ભાદરના પાણીમાં તણયેલા યુવાનની હેલિકોપ્ટરથી શોધખોળ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાનાં વીસાવદરમાં બારે મેઘ ખાંગા થયા છે. રાત્રે મેઘરાજાની થઈ પધરામણી અને દિવસભર વરસ્યો મૂશળધાર વરસાદ. રાત્રે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદ ખાબકતા વીસાવદર જળબંબાકાર થયું હતું. લાંબા સમયથી ખેડૂતો જોઈ રહ્યા હતા સારા વરસાદની રાહ. પણ આજે એવો તે વરસ્યો વરસાદ કે ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય. વીસાવદર શહેર અને આસપાસના ગામો ધોધમાર વરસાદ વરસતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. ભારે વરસાદને પગલે પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
વીસાવદરના સરસઈ ગામ નજીક આવેલ ધ્રાફડ ડેમ ધોધમાર વરસાદને કારણે ઓવરફ્લો થયો હતો. ધ્રાફડ ડેમ 34 ટકા ભરેલો હતો. કલાકોમાં જ 64 ટકા પાણીની આવક થતાં ડેમ છલકાયો હતો. તો આંબાજળ અને ઝાઝંશ્રી ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.
રાજકોટ વરસાદ
કેટલીક જગ્યાએ તો રસ્તા પર પાણીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ હતી. દિવસભર ધોધમાર વરસાદ પડતા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નદીની જેમ વહેતા થયા પાણી. ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે. શહેરમાં મોટાભાગના ધંધા-રોજગાર બંધ જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રાજકોટનું પોપટપરા નાળું બંધ કરાયું હતું. તો રેલનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો હતો. અહીં બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેથી કોઈ અહીંથી પસાર ન થાય. રેલનગરનું અંડરબ્રિજ બંધ થતાં આસપાસની અનેક સોસાયટીઓ સંપર્કવિહોણી બની છે.