Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આજે મોટો નિર્ણય લઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ફરી એક વખત કોંગ્રેસમાં કકળાટ ઊભો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપવા તૈયાર થયા છે. જે લોકોએ ચૂંટણીઓમાં પક્ષ વિરોધી કામગીરી કરી તેમને પ્રમોશન આપ્યું હોવાથી કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપવા તૈયાર થયા છે. આજે બપોરે 3 કલાક સુધી જો પ્રશ્નનું સમાધાન નહીં થાય તો હું દંડક પદેથી રાજીનામું આપીશ તેવું કિરીટ પટેલે ABP અસ્મિતાને જણાવ્યું હતું.
SC મોરચામાં નિમણૂંકને લઈ કિરીટ પટેલ પ્રદેશ મોવડી મંડળને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે પ્રદેશ મોવડી મંડળને ત્રણ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. કિરીટ પટેલે કહ્યું હતું કે પ્રેશર પોલિટિક્સ ક્યારેય કર્યું નથી, કરવાના પણ નથી. 2017,2022માં મારા વિરૂદ્ધ કામ કરનારને પ્રમોશન કેમ?. પક્ષની કાર્યપદ્ધતિથી કાર્યકર્તાઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. અમારા વિરૂદ્ધ કામ કરનારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાને પ્રમોશનથી દુઃખ થયું છે. પદનો મને મોહ જ નથી, જનતાના પ્રશ્નો ઉઠાવતો રહીશ. દંડકનું પદ ન હતું ત્યારે પણ વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન ઉઠાવતો હતો. ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે તો જ સંગઠન મજબૂત થશે. 2017માં મારા વિરૂદ્ધ કામ કરનારી યાદીની માહિતી અપાઈ છે.
પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના (SC Morcha) પ્રમુખની નિમણૂકને લઈને તેઓ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કડક પગલું ભરશે. આખરે, તેમની માંગણીઓ ન સંતોષાતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ વિધિવત રીતે કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું ધરી દેશે.




















