Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
ખાલિદા ઝિયાએ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 80 વર્ષના હતા. ખાલિદા ઝિયા કેટલાક સમયથી બીમાર હતા.

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ મંગળવારે આ વાતની પુષ્ટી કરી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, 80 વર્ષીય ખાલિદા ઝિયા લીવર સિરોસિસથી પીડાતા હતા. તેમના ડોક્ટરોના જણાવ્યા મુજબ, તેઓ સંધિવા અને ડાયાબિટીસથી પણ પીડાતા હતા. તેઓ હૃદય રોગથી પણ પીડાતા હતા. ખાલિદા ઝિયાએ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 80 વર્ષના હતા. ખાલિદા ઝિયા કેટલાક સમયથી બીમાર હતા.
Bangladesh Nationalist Party (BNP) posts, "BNP Chairperson and former Prime Minister, Deshnetri Begum Khaleda Zia, passed away this morning at 6:00 AM, shortly after Fajr prayers..." https://t.co/0v6xDfXPdQ pic.twitter.com/Zg6BhlIqXg
— ANI (@ANI) December 30, 2025
બાંગ્લાદેશના બે વાર વડાપ્રધાન રહ્યા
ખાલિદા ઝિયા બે વાર બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા હતા. તેમણે 1991થી 1996 અને 2001 થી 2006 સુધી દેશનું નેતૃત્વ કર્યું. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સ્થાપક ઝિયાઉર રહેમાનના પત્ની હતા. તેમના મોટા પુત્ર અને બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 2008થી લંડનમાં રહેતા હતા અને આ મહિને બાંગ્લાદેશ પરત ફર્યા હતા. તેમના નાના પુત્ર અરાફત રહેમાનનું 2015માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
ખાલિદા ઝિયાને રાજકીય ઉથલપાથલ વચ્ચે 6 ઓગસ્ટ, 2024ના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ અદ્યતન સારવાર માટે લંડન ગયા હતા, જ્યાં તેઓ ચાર મહિનાના રોકાણ પછી 6 મેના રોજ બાંગ્લાદેશ પરત ફર્યા હતા.
બાંગ્લાદેશી રાજકારણમાં મહત્વપૂર્ણ
દશકો સુધી બાંગ્લાદેશી રાજકારણ બે નેતાઓની આસપાસ ફરતું હતું: અવામી લીગના નેતા શેખ હસીના અને બીએનપીના વડા ખાલિદા ઝિયા. મીડિયાએ આ રાજકીય દુશ્મનાવટને "બેટલ ઓફ બેગમ્સ" ગણાવ્યું હતું. 1990 પછી યોજાયેલી લગભગ દરેક ચૂંટણીમાં સત્તા શેખ હસીના અથવા ખાલિદા ઝિયા પાસે રહી હતી.
બંને નેતાઓએ 1980ના દાયકામાં લશ્કરી શાસન સામે સંયુક્ત રીતે પ્રચાર કર્યો હતો, પરંતુ 1991માં લોકશાહીની પુનઃસ્થાપના અને ખાલિદા ઝિયાની વડા પ્રધાન તરીકે નિમણૂક પછી તેમની વચ્ચે રાજકીય સંઘર્ષ વધુ ગાઢ બન્યો હતો.
ખાલિદા ઝિયા રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યા
ખાલિદા ઝિયાનો જન્મ 1945૫માં થયો હતો અને તેમનો રાજકારણ સાથે કોઈ પારિવારિક સંબંધ નહોતો. 1960માં તેમણે લશ્કરી અધિકારી ઝિયાઉર રહેમાન સાથે લગ્ન કર્યા હતા. 1971ના બાંગ્લાદેશની આઝાદીની લડાઈ દરમિયાન ઝિયાઉર રહેમાને રેડિયો પર સ્વતંત્ર બાંગ્લાદેશની ઘોષણા વાંચી હતી. 1975માં શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ દેશમાં રાજકીય અસ્થિરતા વધી અને 1977માં ઝિયાઉર રહેમાન રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષની સ્થાપના કરી. 30 મે, 1981ના રોજ ચિત્તાગોંગમાં લશ્કરી બળવા દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.
તેમના પતિની હત્યા બાદ બીએનપી વિભાજીત થવા લાગી અને પક્ષના નેતાઓના આગ્રહથી ખાલિદા ઝિયાએ 1984માં પક્ષનો હવાલો સંભાળ્યો હતો. તેમણે 1991માં પ્રથમ લોકશાહી ચૂંટણી જીતી, બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન બન્યા હતા. ખાલિદા ઝિયાના મૃત્યુને બાંગ્લાદેશી રાજકારણમાં એક યુગના અંત તરીકે જોવામાં આવે છે.




















