ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થા કરશે! કચ્છમાં જાહેરાત બહાર પાડતા ભારે કકળાટ
કચ્છ જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ છે. આ સમસ્યાના નિવારણ માટે શ્રી સર્વસેવા સંઘ, ભુજ દ્વારા મુંદ્રા તાલુકામાં 150 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

Gujarat Teacher Recruitment 2025: ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે તેવા સમાચારથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે 'શ્રી સર્વસેવા સંઘ, ભુજ' નામની સામાજિક સંસ્થા દ્વારા હંગામી ધોરણે 150 શિક્ષકોની ભરતી માટે જાહેરાત આપવામાં આવી છે. આ નિર્ણયને લઈને શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણના મુદ્દે ભારે ચર્ચાઓ અને વિવાદ ઊભો થયો છે.
કચ્છ જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ છે. આ સમસ્યાના નિવારણ માટે શ્રી સર્વસેવા સંઘ, ભુજ દ્વારા મુંદ્રા તાલુકામાં 150 હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ શિક્ષકોને ₹9,000 નું માસિક માનદ વેતન આપવામાં આવશે. આ ભરતી વર્ષ 2025-26 ના પ્રથમ સત્ર માટે કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે શિક્ષણ ક્ષેત્રે સરકારની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે અને કોંગ્રેસ દ્વારા પણ જિલ્લા પંચાયત કક્ષાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
ખાનગી સંસ્થા કરશે શિક્ષકોની ભરતી
મુંદ્રા તાલુકાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રી સર્વસેવા સંઘ, ભુજ નામની સંસ્થાએ 'જ્ઞાનજ્યોતિ યોજના' હેઠળ હંગામી ધોરણે 150 સ્વ-શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક એમ ત્રણેય સ્તરે કરવામાં આવશે. આ શિક્ષકોને માસિક ₹9,000 નું માનદ વેતન આપવામાં આવશે, અને તેમને નિમણૂક પત્ર સંસ્થા દ્વારા જ આપવામાં આવશે. આ સંસ્થાનું નેતૃત્વ દિવંગત પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જીગર છેડા કરી રહ્યા છે.
ભરતી સામે ઉઠતા પ્રશ્નો
આ ભરતી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું ગુજરાત સરકાર પોતાની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા સક્ષમ નથી? શું સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતને પૂરી કરવા માટે ખાનગી સંસ્થાઓ પર આધાર રાખવો પડશે? આ ઘટના શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણની વધતી દખલગીરીનો સંકેત આપી રહી છે, જેના કારણે શિક્ષકો અને શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ શકે છે.
કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
શિક્ષકોની ઘટનો મુદ્દો કચ્છમાં લાંબા સમયથી ઉગ્ર છે. થોડા દિવસો પહેલા જ જિલ્લા પંચાયતની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે સત્તાધારી પક્ષના હોદ્દેદારો પાસેથી રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેનાથી મામલો ગરમાયો હતો.
શિક્ષણની કથળતી સ્થિતિ
કચ્છ જિલ્લામાં, ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના ગામડાઓમાં, શિક્ષણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લગભગ 50% મહેકમની ઘટ હોવાના અહેવાલો છે, જેનાથી બાળકોના ભણતર પર ગંભીર અસર થઈ રહી છે. સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા હવે સામાજિક સંસ્થાઓએ આ જવાબદારી ઉપાડવી પડી છે, જે રાજ્યના શિક્ષણ માળખા માટે એક ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે.





















