Gujarat Rain: આજે રાજ્યના સાત જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સિવાય સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભરૂચ, નર્મદા, તાપી, ડાંગની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં અઢીથી સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત , ડાંગ, નવસારી, તાપી સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ 2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને 2 ઓગસ્ટથી અમરેલી, ભાવનગર , ગીરસોમનાથ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઇને આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે
રાજ્યમાં સિઝનનો 61.93 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 61.93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 85.94 ટકા, સૌરાષ્ટ્રમાં 75.77 ટકા સિઝનનો અત્યાર સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 71.51 ટકા, ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.40 ટકા, તો મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 43.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.