રાજ્યમાં માવઠાની આગાહી, 40થી 60 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, ધરતીપુત્રોની વધી ચિંતા
હવામાન વિભાગની વરસાદની આગાહીની વચ્ચે વહેલી સવારથી જ અમદાવાદમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેને લઈ તમામ કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂતો માટે હવામાન વિભાગે પાક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે ડિસેમ્બર સુધી અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી એમ સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક જિલ્લામાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સહિત આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય શકે છે. અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ડિસેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે.
આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દિવમાં હળવો જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર માં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
તો આવતીકાલે ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાયના રાજ્યના અનેક ભાગમાં પણ વરસાદી માહોલ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદમાં વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહીની વચ્ચે વહેલી સવારથી જ અમદાવાદમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે ધીમી ધારે વરસાદી ઝાપટું પડયુ છે. પવન સાથે વરસાદી ઝાપટું પડતા ઠંડીમાં વધારો થયો છે. એસ.જી હાઇવે, પ્રહલાદનગર, ઇસ્કોન, થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો છે. તો સરખેજ, બોપલ, શેલા, શિલજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભિલોડા અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
શામળાજી, મોટી ઇસરોલ, જીવણપૂર, મરડીયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રવિ સિઝનની વાવણીમાં મુશ્કેલી થઈ શકે છે.