Rain: આગામી 6 દિવસ ભારે વરસાદ ખાબકવાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Rain News: રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ, ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે

Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. જૂન મહિનાથી ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. 24 કલાકમાં બોટાદ, ભાવનગર અને અમરેલીમાં વરસાદે કહેર વર્તાવ્યો છે, અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને જનજીવન પણ અસર પડી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે આંધી વંટોળ અને પુરની સ્થિતિને લઇને મોટુ અનુમાન લગાવ્યુ છે. આગામી 6 દિવસ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકશે.
આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ, 40 કીમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની સાથે સાથે આગાહીકારોએ પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે. રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ, ભરૂચ સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, સુરત પણ ભારે વરસાદની સંભાવના છે. જો કે, રાજ્યમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.
આ જિલ્લાઓમાં આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
21 ડેમ હાઇએલર્ટ પર
ભારે વરસાદને પગલે રાજ્યના 206 પૈકી 21 ડેમ હાઈએલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા સાત ડેમ હાઈએલર્ટ છે. તો 80થી 90 ટકા ભરાયેલા છ ડેમ એલર્ટ પર છે. 70 થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. NDRFની 12 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.





















