Monsoon: ગુજરાતમાં ચોમાસું જામ્યુંઃ 23 જુન સુધી આ જિલ્લાઓની નદીઓમાં આવશે પૂર, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain Forecast: અનુમાન પ્રમાણે, આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાત તરબોતળ થઇ જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે

Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. ભાવનગર, અમરેલી અને બોટાદમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ થઇ ગયુ છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને આગાહીકારોએ ગુજરાતમાં આગામી 19 જૂનથી 23 જુન અને 26 જુનથી 30 સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સમય દરમિયાન રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.
એન્ટ્રી થઈ ચુકી છે અને બે દિવસમાં જ વરસાદે બરાબરની બેટિંગ પણ કરી છે. ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ શરૂઆતમાં જ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવ્યા છે. તો કેટલાક જિલ્લાઓમાં તો પહેલા જ વરસાદમાં ડેમો છલોછલ થઈ ગયા છે. જો કે, હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 23 જૂન સુધી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાજેતરમાં જ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વની અને મોટી આગાહી કરી છે, તેમના અનુમાન પ્રમાણે, આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાત તરબોતળ થઇ જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે, 19 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે. આ ઉપરાંત 26 થી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, 26 થી 30 જૂન સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ક્યાં ક્યાં અપાયુ છે રેડ એલર્ટ
હવામાન વિભાગે આવનારા આખા અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જયારે આજે રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, મોરબી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં છે આજે ઓરેન્જ એલર્ટ
આ સિવાય હવામાન વિભાગે ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.





















