(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
હવામાન વિભાગે આજે અને આવતીકાલ એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ મળી NDRFની કુલ 8 ટીમ તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમા 4, દક્ષિણ ગુજરાતમાં 3 અને કચ્છમાં 1 ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે અમરેલી જિલ્લા માટે આજે 1 ટીમને મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં જળાશયોની સ્થિતિ ખરાબ
ચોમાસાના સીઝનના હવે બે મહિના જ બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિએ ચિંતા વધારી છે. સૌરાષ્ટ્રના કુલ 141 મોટા જળાશયોની હાલની સ્થિતિએ 60 ટકા જેટલા ખાલી છે. જેમાં દ્વારકા, પોરબંદરની સ્થિતિ સૌથી વધુ વિકટ છે.
સૌરાષ્ટ્રમાં હજુ જળાશયોમાં આખું વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવ્યો નથી. જો આગામી બે મહિનામાં સારો વરસાદ ન થાય તો સૌરાષ્ટ્રમાં જળસંકટ તોળાવાની વાતને નકારી શકાય એમ નથી. રાજકોટ જિલ્લાના 25 ડેમોમાં 32 ટકા જેટલું જ પાણી છે. બીજી તરફ, સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર હજુ 50 ટકા જ ભરાયો, જ્યારે આજી-1માં પણ 50 ટકા જ પાણીનો જથ્થો છે.
રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, પરંતુ અન્ય ડેમોમાં જ્યાં નર્મદાની લાઈન નથી એવાં ગામોમાં આવનારા દિવસોમાં જળસંકટ ઘેરું બની શકે છે. જામનગર જિલ્લામાં 28 ટકા અને જૂનાગઢ જિલ્લામાં 25 ટકા પાણીનો જથ્થો ડેમમાં છે. મોરબી જિલ્લાની હાલત પણ એવી જ છે. મોરબી જિલ્લામાં 30 ટકા જ પાણી છે, જ્યારે ગીર-સોમનાથમાં 48 ટકા, પોરબંદરમાં 19 ટકા અને સુરેન્દ્રનગરમાં 27 ટકા પાણીનો જીવંત જથ્થો હાલ છે. અમરેલી જિલ્લામાં કંઈક અંશે સારી સ્થિતિ છે અને 65 ટકા જથ્થો હાલ છે.