(Source: ECI | ABP NEWS)
"નવા મંત્રીઓ આવશે?": હોળી પછી ગુજરાતના મંત્રીમંડળમાં ખેલ બદલાશે? રમણભાઈના ઈશારાથી ખળભળાટ!
Gujarat politics update: પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ વિસ્તરણની શક્યતા વ્યક્ત કરી, હાલના 27 સભ્યોના મંત્રીમંડળમાં 9-10 નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે.

Gujarat cabinet reshuffle: ગુજરાતના રાજકારણમાં હોળીના તહેવાર બાદ મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે. પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય રમણભાઈ વોરાએ રાજ્ય મંત્રીમંડળમાં ટૂંક સમયમાં વિસ્તરણ થવાના સંકેત આપ્યા છે, જેના પગલે રાજકીય ગરમાવો વધી ગયો છે.
રંગોત્સવના પ્રસંગે જ્યારે એબીપી અસ્મિતા દ્વારા આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રમણભાઈ વોરાએ આ જવાબ આપ્યો હતો. તેમના નિવેદનથી રાજ્યના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
હાલમાં ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ 27 સભ્યોનું છે. રમણભાઈ વોરાના સંકેત અનુસાર, મંત્રીમંડળમાં હજુ પણ 9 થી 10 નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે. જો આમ થશે તો રાજ્યના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.
રમણભાઈ વોરા એક અનુભવી રાજકારણી છે અને તેમના દ્વારા આપવામાં આવેલા સંકેતોને રાજકીય પંડિતો ગંભીરતાથી લઈ રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે અને કોને સ્થાન મળશે તે અંગે હાલમાં અટકળો ચાલી રહી છે, પરંતુ રમણભાઈ વોરાના નિવેદને ચોક્કસપણે રાજકીય માહોલમાં ઉત્તેજના વધારી દીધી છે.
હવે જોવાનું એ રહે છે કે હોળી બાદ રાજ્ય સરકાર આ દિશામાં શું પગલાં લે છે અને મંત્રીમંડળમાં ખરેખર વિસ્તરણ થાય છે કે કેમ. પરંતુ રમણભાઈ વોરાના આ સંકેતથી ગુજરાતના રાજકારણમાં એક નવી ચર્ચા અને ગતિવિધિઓનો દોર શરૂ થઈ ગયો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર જ્યારે બી ત્યારે જે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે તેમાં 6 રાજ્ય કક્ષાના પ્રધાનો અને 8 કેબિનેટ પ્રધાનોને વિવિધ ખાતાઓ સોંપાયા હતા. બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો પણ સોંપવામાં આવ્યો હતો.
રાજ્ય કક્ષાના પ્રધાનોમાં પુરુષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું હતું. બચુ ખાબડને પંચાયત અને કૃષિ ખાતું સોંપાયું હતું. મુકેશ પટેલને વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ મળ્યા હતા. ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા ખાતાની ફાળવણી થઈ હતી. કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.
બે પ્રધાનોને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો હતો. જેમાં હર્ષ સંઘવીને ગૃહની સાથે રમત-ગમત અને યુવા, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા સહિતના ખાતાઓ સોંપવામાં આવ્યા હતા. જગદીશ વિશ્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન ખાતુ સોંપાયું હતું.
કેબિનેટ પ્રધાનોની વાત કરીએ તો ઋષિકેશ પટેલને આરોગ્ય અને કાયદા વિભાગ ફાળવવામાં આવ્યા હતા. રાઘવજી પટેલને કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ ખાતાની જવાબદારી મળી હતી. કનુ દેસાઈને નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ ખાતુ સોંપાયું હતું. કુંવરજી બાવળિયાને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા વિભાગ મળ્યા હતા. મૂળુ બેરાને પ્રવાસન, વન અને પર્યાવરણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. કુબેર ડીંડોરને આદિજાતી વિકાસ ખાતુ ફાળવાયું હતું અને ભાનુબેન બાબરીયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.





















