ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
હવામાન વિભાગની ચેતવણી: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનો અનુભવ થશે, તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના.

Gujarat Heat Wave: ગુજરાતમાં ગરમીએ ફરી એકવાર પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, અને હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હીટવેવની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને આવતીકાલે, ૧૧ માર્ચના રોજ રાજ્યના ૯ જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ૧૨ માર્ચે પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અને ગરમીથી બચવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આવતીકાલે એટલે કે ૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ગંભીર અસર જોવા મળશે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તાપમાન ખૂબ જ ઊંચું રહેવાની સંભાવના છે. આ ઉપરાંત, ૧૨ માર્ચના રોજ બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે, જ્યાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨-૩ દિવસ સુધી તાપમાનનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અનુભવાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.
હીટવેવની આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરી છે. હીટવેવ દરમિયાન ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
હીટવેવથી થતી અસરો
હીટવેવના કારણે શરીરમાં ગરમી સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહે છે અથવા શારીરિક શ્રમનું કામ કરે છે તેઓ વધુ જોખમમાં હોય છે. હીટવેવની અસરથી થાક લાગવો, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલટી થવી અને બેહોશી જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગો ધરાવતા લોકો માટે હીટવેવ વધુ જોખમી સાબિત થઈ શકે છે.
હીટવેવથી બચવા માટે શું કરશો?
બને ત્યાં સુધી ગરમીમાં બહાર જવાનું ટાળો.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, તરસ ન લાગે તો પણ પાણી પીતા રહો.
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, તોરાણી, લીંબુ પાણી અને છાશ જેવા ઘરે બનાવેલા પીણાં પીવો.
હળવા રંગના અને ઢીલા કપડાં પહેરો.
સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલું તાપમાન
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આ પ્રમાણે છે: અમદાવાદમાં ૩૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ ડિગ્રી, વડોદરામાં ૩૮.૪ ડિગ્રી, અને સુરતમાં ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ.
જ્યારે લઘુતમ તાપમાન ગાંધીનગરમાં ૧૮.૫ ડિગ્રી, અમદાવાદમાં ૨૦.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૨૨ ડિગ્રી, રાજકોટમાં ૨૦.૫ ડિગ્રી, વડોદરામાં ૨૧.૮ ડિગ્રી, અમરેલીમાં ૨૦ ડિગ્રી અને ભાવનગરમાં ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.





















