રૂપાણી સરકારના ક્યા સીનિયર મિનિસ્ટરનાં માતાનું થયું નિધન ? 94 વર્ષની ઉંમરે પણ સતત રહેતાં સક્રિય, જાણો વિગત
સ્વ.કમળાબાના અવસાનના સમાચાર મળતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસસ્થાને જઈને સૌ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માતા કમળાબા મનુભા ચુડાસમાનું બુધવારે નિધન થયું છે. કમળાબા 94 વર્ષનાં હતાં પણ છેલ્લા શ્વાસ સુધી સતત સક્રિય હતાં. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાના નિધન સાથે સતત હૂંફ આપનારાં સ્વજન ગુમાવ્યાં છે. કમળાબાને છેલ્લા કેટલાય સમયથી વયોવૃધ્ધ અવસ્થાના કારણે પડતી તકલીફો ઉપરાંત શ્વાસની તકલીફ થઈ હતી. આ કારણે તે બહુ હરતાંફરતાં નહોતાં અને પછારીમાં જ રહેતાં છતાં કોઈ ને કોઈ પ્રવૃત્તિ કર્યા કરતાં હતાં. મોતીના દાગીના બનાવવા, ઈંઢોણી પર ભરતકામ કરવું, કપડાં પર મોતીકામ, ભરત ગૂંથણ વગેરેનાં જાણકાર કમળાબા આ કામ પથારીમાં બેઠાં બેઠાં પણ કર્યા કરતાં હતાં.
સ્વ.કમળાબાના અવસાનના સમાચાર મળતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસસ્થાને જઈને સૌ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફોન કરીને સાંત્વના પાઠવી હતી. ગાંધીનગર ખાતે સ્વર્ગસ્થ કમળાબા ચુડાસમાની અંતિમયાત્રામાં જોડાઈને રાજકીય તથા સામાજિક આગેવાનોએ સ્વર્ગસ્થને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.