વાવાઝોડાથી નુકશાન માટે રૂપાણી સરકારે 500 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત, જાણો વધુ વિગતો
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા તૌક્તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકોને ખૂબ જ નુકશાન થયું છે. વિજય રૂપાણી સરકાર દ્વારા 500 કરોડ રુપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.
ગાંધીનગર: રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા તૌક્તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકોને ખૂબ જ નુકશાન થયું છે. વિજય રૂપાણી સરકાર દ્વારા 500 કરોડ રુપિયાના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. બાગાયતી પાક નુકસાનમાં હેક્ટરદીઠ 1 લાખની સહાય ચૂકવવામાં આવશે. ઉનાળુ પાક નુકસાનમાં 20 હજાર રૂપિયા મળશે.
મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોને રાહત મળે તે માટે 500 કરોડને પેકેજની જાહેરાત કરી છે. એક સપ્તાહની અંદર આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. બાગાયતી પાક માટે હેક્ટર દીઠ 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય બે હેક્ટરની મર્યાદામાં ચુકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, તૌક્તે વાવાઝોડાને કારણે ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે. આવતીકાલ સુધીમાં ખેડૂતોના નુકસાનનો સર્વે પૂરો થઈ જશે. ત્યારબાદ તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થશે. ખાસ કરીને બાગાયતી પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી રાજ્યનો ખેડૂત ઝડપથી બેઠો થાય તે હેતુથી ઉનાળુ પિયત પાકોને ઉત્પાદન નુકસાન સહાય, બાગાયત પાકોમાં ફળ-ઝાડ પડી જવાથી નુકસાન સહાય સહિતની બાબતો આ ઉદારત્તમ એવા વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવી છે.
રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં ૩૩ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.
વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે. એટલું જ નહિ, નુકસાનીનો સર્વે પણ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવાશે.
આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત વેળાએ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.