આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો, સૌરાષ્ટ્રથી કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
જોકે કોઈ ધારાસભ્યએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો. વિધાનસભાનાં અધ્યક્ષ આજે પણ ગાંધીનગરમાં જ છે.
Gujarat Politics: છેલ્લા થોડા દિવસમાં કોંગ્રેસના એક અને આમ આદમી પાર્ટીના એક એમ બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી ચર્ચા છે. ગુજરાત વિધાનસભાનાં ત્રીજા ધારાસભ્યનાં રાજીનામાની અટકળ તેજ છે. જોકે કોઈ ધારાસભ્યએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો મળવાનો સમય નથી માગ્યો. વિધાનસભાનાં અધ્યક્ષ આજે પણ ગાંધીનગરમાં જ છે. કોંગ્રેસ અથવા આપના એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. છેલ્લા એક સપ્તાહથી આપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે પોતાના ધારાસભ્યો સાથે સંપર્ક વધાર્યો છે. પ્રદેશ અધ્યક્ષ પોતાના ધારાસભ્યો સાથે સતત સંવાદ અને સંપર્ક કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું. સૌરાષ્ટ્રનાં કોંગ્રેસના ધારાસભ્ય આપી શકે છે રાજીનામું.
લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું.
182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપતા તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 16નું થઈ ગયું છે.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું છે ઓપરેશન લોટસ. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસમાં ભંગાણ કરવામાં ભાજપ સફળ રહી છે. આજે કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.