ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત, પોલીસ છાવણીમાં ફેરવાયું ગામ
ખંભાતમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત થયું છે.
અમદાવાદ : સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આસ્થાના ઉત્સવ વચ્ચે રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખંભાતમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત થયું છે. આ ઘટનાને લઈને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ પણ કરવામાં આવ્યું છે.
ખંભાત જૂથ અથડામણમાં એક આધેડનું મોત થયું છે. હાલ મૃતકની ડેડ બોડી પેટલાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકની ઓળખ બાકી છે. ખંભાત પોલીસ દ્વારા આધેડની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયાનું અનુમાન છે.
ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. ઘટાની ગંભીરતાને લઈ પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો હોત. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ખંભાત પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી સર્જાઇ છે. ગંભીર ઘટનાને લઇને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ASP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોચ્યાં હતાં.
ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જોકે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.