Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલામાં સુરતના યુવકનું મોત થયું
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અધિકારીક રીતે 16 લોકોનાં મોતની પૃષ્ટી કરવામાં આવી છે.

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અધિકારીક રીતે 16 લોકોનાં મોતની પૃષ્ટી કરવામાં આવી છે. પહેલગામમાં આતંકીઓએ ધર્મ પુછીને લોકોને નિશાન બનાવ્યા હતા. પહેલગામમાં થયેલા આ આતંકી હુમલામાં એક ગુજરાતી યુવકનું મોત થયું છે. જ્યારે એક ભાવનગરના વ્યકિત ઘાયલ થયા છે.
એક ગુજરાતીનું મોત નિપજ્યું
આતંકવાદી હુમલામાં પ્રાથમિક અહેવાલ અનુસાર 3 ગુજરાતીઓ ઘાયલ થયા હતા. હવે એક ગુજરાતીનું મોત નિપજ્યું હોવાની અધિકારીક પૃષ્ટિ થઇ છે. સુરતના રહેવાસી હિંમતભાઇ કલાઠીયાનું આ આતંકી હુમલામાં મોત નિપજ્યું છે. તેઓ મુળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા. આ આતંકી હુમલામાં ભાવનગરના એક વૃદ્ધના હાથમાં ગોળી લાગી છે.
પિતા-પુત્ર સંપર્કવિહોણા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે લોકો પણ સંપર્કવિહોણા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. યતીનભાઇ પરમાર અને સ્મિત પરમાર નામના પિતાપુત્રનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
મંગળવારે (22 એપ્રિલ 2025) આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં પ્રવાસીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો. પોલીસ યુનિફોર્મમાં બેથી ત્રણ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન શરૂ થયું
પ્રાપ્ત માહિતી અનુસાર, આટલા મોટા આતંકી હુમલા બાદ આતંકીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.





















