Surendranagar: સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં ત્રણ કામદારોના મોત મામલે કાર્યવાહી, પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ
Surendranagar: ઘટનાના છ દિવસ બાદ પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામે કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત કેસમાં કાર્યવાહી શરૂ થઇ હતી. ઘટનાના છ દિવસ બાદ પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોલસાની ખાણમાં મોતના કેસમાં પાંચ ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાઇ છે. સેફ્ટી વગર કામદારોને ખાણમાં ઉતારતા આ ઘટના બની હતી. જમીન માલિક સહિત પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ હતી.
ખનિજ માફિયાઓએ મજૂરોની લાશો સગેવગે કરી અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ
જે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં શામજીભાઈ ધીરુભાઈ ઝેઝરીયા,જનકભાઈ કેશાભાઈ પરમાર, કિશોરભાઈ હેમુભાઈ બાવળીયા, દેવશીભાઈ (જમીન માલિક), દિનેશભાઈનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 337, 338 અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. મૃત્ય પામેલા મજૂરોનો પીએમ કરાવ્યાં વગર દાહોદ મોકલી દેવાયા હોવાનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ખનિજ માફિયાઓએ મજૂરોની લાશો સગેવગે કરી અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
પાંચ ભૂમાફિયાઓ સામે ફરિયાદ
જમીન માલિકે બેદરકારી દાખવી કોલસાનો કૂવો જીવલેણ હોવા છતાં શ્રમિકોને સેફ્ટીના સાધનો વગર કૂવો ખોદવા મોકલતા ભેખડ ખસી ગઈ હતી. જેમાં કાળીબેન ડામોર, સુરેશભાઈ ડામોર અને જયલાભાઈનું મોત થયું હતું. જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી જમીનના માલિક સહિત કુલ 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ખાણમાં ભેખડ ધસી પડતા દાહોદથી આવેલા 3 મજૂરોના મોત થયા હતા અને ખનીજ માફિયાઓએ આ મામલે ભીનું સંકેલવાના બનતા પ્રયાસો કર્યાં પરંતુ બાદમાં ખુલાસો થતા તપાસના કડક આદેશ અપાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં અચાનક દુર્ઘટના સર્જાઇ હતી જેમાં આ ખાણમાં કામ કરતાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં કાયદેસર ચાલતી કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે સરકારે આ ખાણોને પુરવા માટેના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા.