મંદિરોનું સંચાલન હિંદુઓને સોંપવામાં આવે, હિંદુઓની જનસંખ્યા વધારવી જરૂરીઃ સ્વામી સચ્ચિદાનંદ
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારીણી બેઠક વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ હતી.
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારીણી બેઠક વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં યોજાઇ હતી. બેઠકમાં સ્વામી સચ્ચિદાનંદે માંગ કરી હતી કે મંદિરોનું સંચાલન હિંદુઓને સોંપવામાં આવે. તે સિવાય બાલાજી મંદિરની આવક વિધર્મી પાછળ વપરાતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. મંદિરનું સંચાલન સરકાર નહીં હિંદુઓ કરે. મંદિરોની આવક હિંદુઓના હિતમાં જ વાપરવામાં આવે.
તે સિવાય તેમણે કહ્યું હતું કે હિંદુઓની જનસંખ્યા વધારવી જરૂરી છે. હિંદુ પરિવારમાં ઓછામાં ઓછા બે સંતાન જરૂરી છે. બંગાળમાં હિન્દુ તરીકે રહેવું મુશ્કેલ બની ગયું છે. બંગાળ અને બિહારમાં આપના જ ભાઈઓ આપના દુશ્મન બન્યા છે. હિન્દુ ઓની જનસંખ્યા ઘટી છે તેના કારણે હિન્દુઓ સામે સમસ્યા વધી છે. દીકરીઓની સાથે દીકરાઓ પણ વધવા જોઈએ. નૌતમ સ્વામી સહિત 300 સંત સમિતિની બેઠકમાં જોડાયા હતા. દ્વારકામાં થયેલા ડીમોલેશન મુદ્દે સરકારને સંતોએ સમર્થન આપ્યું હતું.
અધ્યક્ષ નૌતમ સ્વામીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ગર્વથી હિંદુ નહોતું બોલી શકાતુ. કોંગ્રેસના શાસનમાં લઘુમતીને સમર્થન કરતા જ કાયદા બનાવવામાં આવતા. નૌતમ સ્વામીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હિંદુ વિરોધી છે તે અમેરિકા જઈને સાબિત કર્યુ છે. અમેરિકામાં કહે છે મુસ્લિમ લીગ સેક્યુલર છે. હિંદુ કટ્ટર હિંદુ નથી એટલે લવ જેહાદ થાય છે. દીકરા-દીકરીઓમાં હિંદુત્વના સંસ્કાર સીંચવા પડશે. આજે ગૌરવથી ભારતનો હિન્દુ કહે છે કે હા હું હિન્દુ છે. અયોધ્યા મંદિર આક્રંતા મુસ્લિમોએ તોડ્યું હતું, જે હવે ફરી બની ગયું છે. અખિલ ભારતીય સંત સમિતિ રાજકીય નહિ રાષ્ટ્ર નિર્માણ માટેનું પ્લેટફોર્મ છે. ભારતમાં 127 હિન્દુ સંપ્રદાય ચાલે છે. ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા અને ગંગા રક્ષા આ ચાર મુખ્ય કાર્યો અખિલ ભારતીય સંત સમિતિના છે. 100 વર્ષ પહેલાં હિન્દુ શબ્દ પ્રચલિત નહોતો. 100 વર્ષ પહેલાં વીર સાવરકરે હિન્દુ શબ્દ આપ્યો હતો. આટલા વર્ષોમાં કોઈએ વીર સાવરકરને યાદ કર્યા નહોતા. અમિતભાઈ અને નરેન્દ્રભાઇએ વીર સાવરકરને સન્માન આપ્યું છે.
લવ જેહાદ અંગે નૌતમ સ્વામીએ કહ્યું હતું કે લવ જેહાદ એટલે નથી થતો કે મુસ્લિમ બળવાન છે. હિન્દુ કટ્ટર હિન્દુ નથી એટલે લવ જેહાદ થાય છે. દીકરા - દીકરીઓમાં હિંદુત્વના સંસ્કાર સીંચવા પડશે. દાન અને ધાર્મિક ઉત્સવમાં લઈ જવા પડશે. તુલસી પૂજન અને ગાયના ઘીનો દીવો કરતા શીખવવું પડશે. હિંદુઓએ જેટલું સહન કર્યું એટલું કોઈએ સહન નથી કર્યું.હિન્દુ માતા અને દીકરીઓએ કેટલું સહન કર્યું તે કોઈએ સહન નથી કર્યું.
ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ વિધર્મીએ દબાવેલી જમીન છોડાવી છે. વિધર્મીઓ પાસેની જમીન છોડાવીને ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઇએ હિન્દુઓને પરત કરી છે. સ્વ. હીરાબાને ચૈતન્ય શંભુપ્રસાદ મહારાજે જીજાબાઇ સાથે સરખાવ્યા હતા. હીરાબાએ જો નરેન્દ્રભાઈને જન્મ ના આપ્યો હોત તો પાવાગઢમાં આજે પણ ધજા ના ચડી હોત. 450 વર્ષ જૂનું કલંક પાવાગઢ પર હતું તે નરેન્દ્ર મોદી, સુરેન્દ્ર પટેલે દૂર કર્યું છે.