નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર, કાંઠાના ગામડાઓમાં લોકોનું સ્થળાંતર શરુ
નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે નર્મદા નદીમાં 15 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાશે. ભરૂચમાં નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. શિનોરમાં 15 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ડભોઇ તાલુકાના ચાંદોદ નજીક નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ડભોઇ યાત્રાધામ ચાંદોદ ખાતે સુપ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. ઘાટના 108 પગથિયાં નર્મદા નદીના પાણીમાં ગરકાવ થયા છે. નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઓરસંગ અને નર્મદા નદી બંનેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે.
મુખ્ય બજારમાં પાણી ફરી વળે તે પહેલા દુકાનદારો સામાન સમેટવા કામે લાગ્યા છે. ડભોઇ ચાંદોદ મલ્હારરાવ ઘાટ નજીક લોકના ટોળા પાણી જોવા ઉમટ્યા છે. તાલુકા વિકાસ અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા.
નર્મદાના એકતાનગર પાસેના વિસ્તારો ખાલી કરાવાયા છે. ગભાણા,પીપરિયા,વસંતપુરા વિસ્તાર ખાલી કરાવાયા છે. SOUની બસમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ગોરા ગામ ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે.
નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ ખાતે લાઇટિંગનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
ભરૂચમાં મધરાતે નર્મદા કાંઠેના ગામોમાં ઘોડાપૂર સંકટ છે. સરદાર સરોવર ડેમમાંથી 15 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાશે. નર્મદા નદીમાં પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની જળ સપાટી 25 ફૂટથી વધુ સપાટી વટાવે તેવી શક્યતા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા 6 સ્થળાંતર સેન્ટરો ઉભા કરાયા છે. 400 થી વધુ લોકોની જમવા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાત,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતનાઓએ સ્થળાંતર સેન્ટરની મુલાકાત લીધી હતી.
આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા અને ગાઁધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી,ખેડા ,પંચમહાલ,છોટાઉદેપુર ,મહિસાગર,વડોદરા ,ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આવતી કાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા,મહેસાણા, સબારકાંઠા,ગાઁધીનગર,ખેડા ,આણંદ,અમદાવાદ, મહીસાગર,નર્મદા,ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.