Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ?
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યન અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ છે. ભીષણ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યન અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ છે. ભીષણ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સતત પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, '3 થી 7 મે દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે માવઠું પડશે.
આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 3 મે અને શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. 4મે અને રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
5 મે સોમવારના દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગના મતે, રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતુ. રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દિલ્હીમાં આફતનો વરસાદ
આજે સવારે દિલ્હી-NCRમાં ભારે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. જોકે, વરસાદને કારણે સવારે ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું.





















