Gujarat Rain: કારતકમાં અષાઢી માહોલઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં કમોસમી વરસાદ
Gujarat Unseasonal Rain: ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઉભુ થયુ છે

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં લૉ પ્રેસર ડિપ્રેશન સિસ્ટમ સર્જાઇ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠુ થઇ રહ્યું છે, અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસરના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ ઉભુ થયુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે, નવસારી શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જલાલપોરમાં પણ પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ગઈકાલ શનિવારે, ગુજરાતના નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ,સુરત, ભાવનગર, તાપી, ખેડા, અમરેલી, નર્મદા, જૂનાગઢ, મહિસાગર, ભરૂચ, દાહોદ, પોરબંદર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જિલ્લાના કૂલ 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો
આ તારીખ સુધી માવઠાનું જોર રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ 0.5 થી 1.5 ઇંચ વરસાદની સંભાવના છે. ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.





















