Rain: માવઠાથી ખેડૂતો બરબાદ, નવસારી-વલસાડમાં ડાંગર અને કપાસનો પાક પલળતા વળતરની માંગ
Navsari And Valsad Rain: નવસારી અને વલસાડમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે

Navsari And Valsad Rain: ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે, પરંતુ ખેડૂતો માટે આ નવું વર્ષ નુકસાની લઇને આવ્યું છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. નવસારી અને વલસાડમાં ડાંગર અને કપાસ પકવતા ખેડૂતોનો પાક પલળી ગયો છે, જેના કારણે મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, સરકાર પાસે ખેડૂતોએ પાક સામે વળતરની માંગ પણ કરી છે.
નવા વર્ષના પ્રથમ દિવસે જ ધરતીપુત્રો પર કુદરતનો કહેર વરસ્યો છે. નવસારી અને વલસાડમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. માવઠાથી ખાસ કરીને નવસારીના પૂર્વ પટ્ટીના ગામોમાં ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લાભ પાંચમ પહેલા ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે, પરંતું વરસાદના કારણે તૈયાર થયેલા પાકમાં વ્યાપક નુકસાની જોવા મળી રહી છે, ડાંગરનો પાક ભીનો થઈ જતા ખેડૂતોને હવે પલળેલો માલ વેચાશે કે નહીં તે ચિંતા સતાવી રહી છે. નવસારી જિલ્લામાં જ્યા અને ગુજેરી નામના ડાંગરનું સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, આ ડાંગરનો પાક પૌઆ મિલમાં પૂરો પાડવામાં આવે છે, હાલ તો પાક બરબાદ થતા ખેડૂતો સરકાર તાત્કાલિક નુકસાનીનું વળતર ચૂકવે તેવી માગ કરી છે.
આ તારીખ સુધી માવઠાનું જોર રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ 0.5 થી 1.5 ઇંચ વરસાદની સંભાવના છે. ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.
માવઠાની તીવ્રતા: 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અગાઉ આપેલી આગાહી મુજબ, ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) આજથી એટલે કે 25 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે અને તે 2 નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ડિપ્રેશનમાં મજબૂત થવાની શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થતાં તેનો અસરગ્રસ્ત ઝોન (Shear Zone) રાજ્યના મોટા ભાગ પરથી પસાર થશે. પરેશ ગોસ્વામીના મતે, માવઠાની સૌથી વધુ તીવ્રતા અને અસર 25 થી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે. ત્યારબાદ, 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર ના રોજ વરસાદની શક્યતા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ માવઠાનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં જોવા મળશે.





















