ગુજરાતનો શહેરી ચહેરો બદલાશે: 4 મહાનગરપાલિકા અને 2 નગરપાલિકા માટે સરકારે ₹3395 કરોડ ફાળવ્યા
Bhupendra Patel government: સુરત મહાનગરપાલિકાને ₹3263 કરોડ, નવરચિત નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ અને ભરૂચ-સોનગઢ નગરપાલિકાઓને પણ વિકાસ ભંડોળ મળશે.

Urban Development 2025: ગુજરાતમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરોમાં જનસુવિધા વૃદ્ધિ માટેના વિવિધ વિકાસ કામો માટે કુલ ₹3394.55 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ભંડોળ ત્રણ નવરચિત મહાનગરપાલિકાઓ, સુરત મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને મળશે.
સુરતને સૌથી મોટો હિસ્સો: ₹3263 કરોડ
આ ફાળવણીમાં સુરત મહાનગરપાલિકાને સૌથી મોટો હિસ્સો મળ્યો છે, જ્યાં ભૌતિક માળખાકીય સુવિધા વિકાસ, સામાજિક માળખાકીય સુવિધા વિકાસ, અર્બન મોબિલિટી, આગવી ઓળખના કામો તેમજ આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો માટે ₹3263 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ રકમમાંથી સુરતના વિવિધ ઝોન અને આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટોર્મ ડ્રેનેજ, પાણી પુરવઠો, ટર્શરી ટ્રીટમેન્ટ અને રિસાયક્લિંગ, લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી, તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ માળખાકીય વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ માટે ₹66.94 કરોડ ના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઈ છે.
નવરચિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મંજૂરી અંતર્ગત અન્ય શહેરોને પણ નોંધપાત્ર ભંડોળ ફાળવવામાં આવ્યું છે:
નડિયાદ મહાનગરપાલિકા: આઉટગ્રોથ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ, પબ્લિક ટોયલેટ રિનોવેશન, સિટી સિવિક સેન્ટર, પાર્ક એન્ડ ગાર્ડન, અને લેક ડેવલપમેન્ટ સહિત કુલ 35 કામો માટે ₹17 કરોડ મંજૂર થયા છે. ઉપરાંત, આગવી ઓળખના કામો જેમ કે ઈપ્કોવાલા હોલ અને કેમ્પસ ડેવલપમેન્ટ, વાવ રિસ્ટોરેશન, હેરિટેજ પાથ અને ગેન્ટ્રી ડેવલપમેન્ટ, મ્યુઝિયમ અને ખુલ્લા પાર્ટી પ્લોટ સાથે કોમ્યુનિટી હોલના કામો માટે ₹30 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: આઉટગ્રોથ એરિયામાં પાણી પુરવઠાના 6 કામો માટે ₹28 કરોડ મંજૂર થયા છે. તેમજ, શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતાં કામો જેવા કે વઢવાણ હેરિટેજ સિટી ફેઝ-1 (ધોળી પોળ અને કોટ દીવાલ), હવામહેલ હેરિટેજ ડેવલપમેન્ટ, ઝાલાવાડ હેરિટેજ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ ફેઝ-1 એમ કુલ ત્રણ કામો માટે ₹35 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આણંદ મહાનગરપાલિકા: આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની નવી ટાંકી, લિંક રોડ અને સ્ટોર્મ ડ્રેઇનના કામો મળી કુલ 9 કામો માટે ₹17 કરોડ ફાળવાયા છે.
ભરૂચ અને સોનગઢ નગરપાલિકાઓ: આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની ટાંકી, રાઈઝીંગ મેઈન પાઈપલાઈન અને સ્ટ્રીટ લાઈટના કામો માટે સોનગઢ નગરપાલિકાને ₹3.99 કરોડ અને ભરૂચને ₹0.95 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
આ ભંડોળ ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટગ્રોથ ડેવલપમેન્ટ, આગવી ઓળખના કામો અને આંતર માળખાકીય વિકાસના કામોને વેગ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થઈ રહેલી શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણીમાં આ વિકાસ કામો દ્વારા નગરો-મહાનગરોમાં "હેપીનેસ ઇન્ડેક્સ" ઊંચો આવવા સાથે "અર્નિંગ વેલ, લિવિંગ વેલ" નો અભિગમ પણ સાકાર થશે.





















