વાજતેગાજતે શરૂ કરેલ વેક્સિનેશન મહાઅભિયાનને બ્રેક લાગી, રાજ્યમાં 6 દિવસમાં 50 ટકાથી વધુને ઘટાડો
અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં બ્રેક લાગી ગઇ છે.
કોરોના સામેના જંગમાં હાલ તો રસી જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે 21 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત મહત્તમ લોકોને રસીના કવચથી સલામત કરવાનો હેતુ છે. આ અંતર્ગત પ્રથમ દિવસે 5 લાખ 11 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોકે ત્યારબાદ રસીકરણમાં ધીમે- ધીમે ઘટાડો થયો અને 27 જૂનના રસીકરણ ઘટીને 2 લાખ 40 હજાર નોંધાયું છે. આમ, છ દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ 'વેક્સિનનો સ્ટોક નથી' તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં બ્રેક લાગી ગઇ છે. રવિવારના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 20 હજાર 100 લોકોને, સુરત શહેરમાં 13 હજાર 960, કચ્છમાં 10 હજાર 825, સુરત ગ્રામ્યમાં 9 હજાર 619 અને નવસારી શહેરમાં 9 હજાર 613 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તો ગુજરાતના છેવાડાના એવા ડાંગ જિલ્લામાં માત્ર 557 અને ખેડા જિલ્લામાં 656 લોકોને જ રસી મળી છે.
ગુજરાતમાં અત્યારસુધી 2 કરોડ 48 લાખથી વધુ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. જેમાં 1.35 કરોડ પુરુષ અને 1.13 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં મહિલા અને પુરુષ વચ્ચે રસીકરણમાં ખૂબ જ મોટો તફાવત છે. ગુજરાતમાં કરવામાં આવેલા રસીકરણ પૈકી 18-44 વયજૂથમાંથી 95.03 લાખ, 45-60 વયજૂથમાં 84.06 લાખ, 60થી વધુ વયજૂથમાં 69.94 લાખ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે.
અત્યારસુધી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 28.45 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે. અમદાવાદ શહેરમાંથી 23.20 લાખ લોકો પ્રથમ ડોઝ અને 5.25 લાખ લોકો રસીના બંને ડોઝ લઇ ચૂક્યા છે. બીજી તરફ ડાંગમાં માત્ર 58 હજાર 42 લોકોને કોરોના રસી અપાઇ છે. અત્યારસુધી કોવિશિલ્ડ વેક્સિન લેનારાનું પ્રમાણ 2.19 કરોડ અને કોવેક્સિન લેનારાનું પ્રમાણ 29.16 લાખ છે.
કેટલા લોકોએ લીધી રસી
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કુલ કેલ ત્રણ કરોડ 2 લાખ 33 હજાર 183 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 95 લાખ 51 હજાર 029 છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 68 હજાર 403 છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખ 95 હજાર 751 થયો છે.