Weather Alert: કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા સમચાર, આ દિવસથી તાપમાનમાં થશે ઘટાડો
Gujarat Summer Weather Alert: રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી વરસી રહી છે, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

Gujarat Summer Weather Alert: ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરો બન્યો છે, આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી પણ ઉપર પહોંચ્યુ છે. હવે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ગરમીથી રાહતના સમાચાર આપ્યા છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડાનું અનુમાન સેવ્યુ છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં આજે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી વરસી રહી છે, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરીને રાહતના સમાચાર સંભળાવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, અંગ દઝાડતી ગરમીથી આવતીકાલથી ગુજરાતવાસીઓને રાહત મળશે. રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો આવી શકે છે, આ કારણે આવતીકાલથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડાનું અનુમાન સેવાઇ રહ્યુ છે. આ ઉપરાંત આજે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે, જ્યારે રાજકોટ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 48 કલાક સુધી તાપમાનમાં મોટો કોઈ ફેરફાર ન થવાની શક્યાતો હવામાન વિભાગે સેવી હતી. જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.
રાજકોટ અને સુરેન્દ્રનગર અગનવર્ષા
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં 31 ડિગ્રીથી લઈને 44.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 44.8 મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં પણ 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું બીજું શહેર રહ્યું હતું. દ્વારકામાં સૌથી ઓછું મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં એક તરફ તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન સતત નોંધાઈ રહ્યું છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગાંધીનગરમાં તાપમાન ઘટીને 42 ડિગ્રી પહોંચ્યું હતું. આજે બુધવારે પણ અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.





















