હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈ શું કરી આગાહી ? ખેડૂતોને આપી મોટી સલાહ
પરેશ ગોસ્વામીએ કહ્યું, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે અને ભેજ પણ છે. પવનની ગતિમાં વધારો થયો છે
Junagadh News: રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. મેઘરાજા આગામી સમયમાં ધડબડાટી બોલાવશે કે કેમ તે અંગે વિવિધ સંભાવનાઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે મહત્વની વાત કહેવામાં આવી છે.
શું કહ્યું પરેશ ગોસ્વામીએ
પરેશ ગોસ્વામીએ કહ્યું, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે અને ભેજ પણ છે. પવનની ગતિમાં વધારો થયો છે. ભેજના કારણે કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી મોટા વરસાદની સંભાવના નથી, આ પછી પવનની ગતિ ધીમી પડશે. ખેડૂતોએ પાક સૂકાતો હોય તો પિયત કરી દેવું જોઈએ.
18થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એક લો પ્રેશર બનવાનું છે અને તે બન્યા પછી જ પાક્કો અંદાજ આવશે કે રાજ્યમાં તેના કારણે કેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો ઓફશોર ટ્રોફ હોય છે તે પણ 18 તારીખથી પોઝિટિવ ફેઝમાં જોવા મળી શકે છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જે મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, તો સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં વરસી શકે છૂટોછવાયો વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વરસાદનું જોર વધશે નહી અને રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
રાજ્યમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે વરસાદનું જોર વધવાની શક્યતા નથી અને મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબહ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે 15મી ઓગસ્ટ સુધી હળવો વરસાદ રહેવાની સંભાવના છે આ ઉપરાંત વધુમાં જણાવતા કહ્યું હતું કે રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે રાજ્યમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય આગામી પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર આવતીકાલ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માટે ચેતવણી આપવામાં આવી છે.