Mumbai Building Collapse: મુંબઈમાં ભારે વરસાદથી તબાહી, વિલે પાર્લેમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, 2 લોકોના મોત
મુંબઈ માટે રવિવાર (25 જૂન) અકસ્માતનો દિવસ રહ્યો હતો. અહીં સૌથી પહેલા ઘાટકોપરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી.
Mumbai Building Collapse: મુંબઈ માટે રવિવાર (25 જૂન) અકસ્માતનો દિવસ રહ્યો હતો. અહીં સૌથી પહેલા ઘાટકોપરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ પછી બપોરે વિલે પાર્લે વિસ્તારમાં નાણાવટી હોસ્પિટલ પાસે ગ્રાઉન્ડ-પ્લસ-ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ. બિલ્ડિંગમાં ફસાયેલા પાંચ લોકોને બહાર કાઢીને કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે.
બીએમસીએ જણાવ્યું કે પ્રિસિલા મિસોઇતા (65 વર્ષ) અને રોબી મિસોઇતા (70 વર્ષ) નામના બે લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય ઘાયલોની હાલત સ્થિર છે. મુંબઈ ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસ ઘટનાસ્થળે હાજર છે. મુંબઈમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. જે બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે.
ઘાટકોપરમાં પણ ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી.
આ પહેલા રવિવારે સવારે ઘાટકોપર વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારતનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો. આ દરમિયાન ત્રીજા માળેથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરના અધિકારીએ જણાવ્યું કે બે વ્યક્તિ હજુ પણ બિલ્ડિંગના પહેલા માળે ફસાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.
મુંબઈમાં શનિવારથી વરસાદ ચાલુ છે
અધિકારીએ કહ્યું કે શનિવારથી મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘાટકોપરમાં રાજાવાડી કોલોનીના ચિત્તરંજન નગરમાં સવારે લગભગ 9.30 વાગ્યે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
બચાવ કામગીરી ચાલુ છે
આ વિસ્તારમાં વીજળી અને ગેસ સપ્લાય કરતી કંપનીઓના કર્મચારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે ઘાટકોપરમાં એક બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો છે. ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને બે લોકો હજુ પણ અંદર ફસાયેલા છે, બચાવ કાર્ય ચાલુ છે.
એક સત્તાવાર નિવેદનમાં, BMCએ જણાવ્યું હતું કે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં નાણાવટી હોસ્પિટલ નજીક સેન્ટ બ્રાઝ રોડ પર ગ્રાઉન્ડ-પ્લસ-ટુ માળની ઇમારતનો ગ્રાઉન્ડ અને પહેલો માળ ધરાશાયી થયો હતો.