મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શન દરમિયાન 3નાં મૃત્યુ, 15 પોલીસ કર્મી ઘાયલ, BSFની તૈનાતી,જાણો અપડેટ
વકફ બિલને લઈને મુર્શિદાબાદમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે અને 15 પોલીસકર્મી ઘાયલ થયા છે. કલકત્તા હાઈકોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને ફોર્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ એક્ટ વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. શનિવારે બદમાશોએ ઘરમાં ઘૂસીને પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને બંનેની હત્યા કરી નાખી હતી. દરમિયાન શુક્રવારે થયેલા ફાયરિંગમાં ઘવાયેલા યુવકનું શનિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ રીતે, આ હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે અને 15 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. આ હિંસક પ્રદર્શનને જોતા કલકત્તા હાઈકોર્ટે હિંસા પ્રભાવિત વિસ્તારમાં કેન્દ્રીય દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ પછી કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં BSFની પાંચ વધારાની કંપનીઓ તૈનાત કરી છે.
કલકત્તા હાઈકોર્ટનો આદેશ
કલકત્તા હાઈકોર્ટે મુર્શિદાબાદ હિંસા પર આકરી ટીપ્પણી કરી અને કહ્યું કે અમે આ બધા તરફ આંખ આડા કાન કરી શકીએ નહીં. કોર્ટના આદેશ પર હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવશે. નોંધનિય છે કે હાલ મુર્શિદાબાદમાં 300 BSF સૈનિકો તૈનાત છે, આ સિવાય કેન્દ્ર સરકારે BSFની પાંચ વધારાની કંપનીઓ પણ મોકલી છે. કોર્ટના આદેશ બાદ એક તરફ BSFએ મોરચો સંભાળી લીધો છે તો બીજી તરફ બંગાળના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હિંસા પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરી છે.
ડીજીપીએ પોતે આદેશ સંભાળ્યો હતો
પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમાર પોતે શનિવારે મુર્શિદાબાદ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કેન્દ્રીય દળો સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આખી રાત હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. મુર્શિદાબાદમાં અનિયંત્રિત હિંસા બાદ ગૃહ મંત્રાલય પણ એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહ સચિવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી અને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને જરૂરી સૂચનાઓ આપી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરની પાંચ કંપનીઓ મોકલવામાં આવી છે, જો જરૂર પડશે તો મોરચા પર વધુ સૈનિકો તૈનાત કરી શકાય છે.
DGP રાજીવ કુમારે કડક સ્વરમાં કહ્યું કે, જે કોઈ કાયદો પોતાના હાથમાં લેશે તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને પણ હિંસા કરવાની મંજૂરી નથી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, અધિકારીઓને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે.

