દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, 60થી વધુ લોકો બીમાર પડ્યાં
આ મામલામાં પ્રાથમિક તપાસ બાદ એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
Karnataka : કર્ણાટકના રાયચુર (Raichur) વિસ્તારમાં દૂષિત પાણી (Dirty Drinking Water)પીવાથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો બીમાર પડયા છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાંથી ત્રણની હાલત ગંભીર છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં
આ મામલામાં પ્રાથમિક તપાસ બાદ એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરીને વરિષ્ઠ અધિકારીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. લોકોનો આરોપ છે કે તમામ દોષ જુનિયર એન્જિનિયર પર નાખીને તંત્ર આ કેસમાં દોષિત વરિષ્ઠ અધિકારીઓને બચાવી રહ્યું છે.
તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં
મળતી માહિતી મુજબ સીએમના આદેશ બાદ વિસ્તારના તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેને તપાસ માટે રાજ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગટર લાઇનમાં લીકેજ થયું હતું, ત્યારબાદ ગટર મુખ્ય લાઇનમાં ભળી ગઈ હતી. આ દૂષિત પાણી પીવાથી લોકોની તબિયત લથડી અને લોકો બીમાર પડવા લાગ્યા.
આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ઘટનાને એક અઠવાડિયું થઈ ગયું છે પરંતુ કાર્યવાહીના નામે માત્ર એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
સીએમની દેખરેખ હેઠળ તપાસ
લોકોની માંગને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ મામલાની તપાસ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ મામલે કરવામાં આવેલી કાર્યવાહી અંગે જિલ્લા અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. લોકોનું કહેવું છે કે આવા મામલા ઘણીવાર ફાઈલો નીચે દટાઈ જાય છે. આ જ કારણ છે કે લોકોની માંગ પર સીએમએ ખુદ તેની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરી છે.