દેશના 67.6 ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા ! સીરો સર્વેમાં થયો ખુલાસો
સર્વેમાં પુરુષોમાં 65.8 ટકા અને મહિલાઓમાં 69.2 ટકા સંક્રમણ મળી આવ્યું.
દેશના 67.6 ટકા લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાતનો ઘટસ્ફોટ થયો છે ICMRએ કરાવેલા ચોથા સીરો સર્વેમાં. એટલુ જ નહીં સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે, હજુ સુધી 40 કરોડની વસ્તી પર સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો.
દેશના 21 રાજ્યના 70 જિલ્લામાં સીરો સર્વે કરાયો. જેમાં 28 હજાર 975 લોકોને સામેલ કરાયા. સર્વેમાં પુરુષોમાં 65.8 ટકા અને મહિલાઓમાં 69.2 ટકા સંક્રમણ મળી આવ્યું.
ગ્રામીણ વિસ્તારમાં 66.7 અને શહેરી વિસ્તારમાં 69.6 ટકા સંક્રમણ મળ્યું. 12 હજાર 607 લોકોની રસી નહોતી અપાઈ, જેમાં 62.3 ટકામાં એંટીબોડી મળી. જ્યારે 5 હજાર 38 લોકોને રસી અપાઈ હતી જેમાં 81 ટકામાં એંટીબોડી મળી.
2 હજાર 631 લોકોને બંને ડોઝ અપાયા હતા જેમાં 89 ટકા એંટીબોડી મળી. સીરોના સર્વે મુજબ 85.2 ટકા આરોગ્ય કર્મચારી સંક્રમિત થયા. તો, અડધાથી વધુ બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું. જેથી આઇસીએમઆરએ સલાહ આપી કે, જો સ્કૂલો ખોલવી હોય તો સૌથી પહેલા પ્રાથમિક સ્કૂલો નિયમોના પાલન સાથે ખોલવી જોઇએ.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં 20 જુલાઈના રોજ 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવીટ રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.
જણાવીએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR)એ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના 17 લાખ 92 હજાર 336 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યાર બાદ અત્યાર સુધીમાં કુલ 44 કરોડ 73 લાખ 41 હજાર 133 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.