West Bengal: તો શું બંગાળમાં સાચે જ 'ખેલા હોબે'? TMCના 40-45 MLA સંપર્કમાં હોવાનો BJPનો દાવો
નિશિથ પ્રામાનિકે કૂચબિહારમાં કહ્યું હતું કે, ટીએમસીનો પાયો "અત્યંત નબળો" પડી ગયો છે અને તેના 40-45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.
West Bengal: પશ્ચિમ બંગાળમાં ભાજપના એક દાવાએ ફરી એકવાર રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ ધારાસભ્યોને લઈને ફરી એકવાર દાવો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 40-45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આગળ શું કરવું જોઈએ તેના પર પાર્ટી વિચાર કરી રહી છે. આ અગાઉ પણ કેટલાક નેતાઓ આ પ્રકારના દાવા કરી ચુક્યા છે.
આ પહેલા પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મઝુમદારે દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીની ધરપકડ કરવામાં આવશે અને TMCના 40 થી વધુ નેતાઓ તેમની પાર્ટીના સંપર્કમાં છે. ફિલ્મ સ્ટાર અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીએ પણ અનેક પ્રસંગોએ આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. હવે આજે કેન્દ્રીય મંત્રી પ્રામાનિકે દાવો કર્યો છે કે, ટીએમસીના 40 થી 45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.
"ટીએમસીના પાયા હચમચી ગયા છે"
નિશિથ પ્રામાનિકે કૂચબિહારમાં કહ્યું હતું કે, ટીએમસીનો પાયો "અત્યંત નબળો" પડી ગયો છે અને તેના 40-45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ટીએમસી રેતી અને પત્તાની પેકની જેમ તૂટી જશે. ભાજપ આવનારા સમયમાં કઈ દિશામાં આગળ વધવું તેને લઈને ચર્ચા વિચારણા કરશે.
ટીએમસીને ધારાસભ્યોમાં પૂરો વિશ્વાસ છે
તો ભાજપના નેતા અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પણ દાવો કર્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂરી કરી નહીં કરી શકે અને 2024 સુધીમાં તેને હાંકી કાઢવામાં આવશે. જો કે, તેમના આ દાવા પર ટીએમસીએ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, પાર્ટીના ધારાસભ્યો કંઈ વેચાવવા માટે નથી. ટીએમસીને તેના ધારાસભ્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ડિસેમ્બરમાં 'ખેલા હોબે'
બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે પણ ગયા મહિને દાવો કર્યો હતો કે, આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળમાં મોટો ખેલ થઈ શકે ચે. ટીએમસીના 30થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું હતું કે, ડિસેમ્બર બાદ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર રહેશે નહીં. હવે આ પછી હવે નિશીથ પ્રામાણિકે પણ ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.