Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: 12 વર્ષ બાદ દિલ્લીમાંથી આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે.

Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી હારી રહી છે. શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકડાથી આગળ ચાલી રહી હતી. ચાલો જાણીએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારની હારના પાંચ મુખ્ય કારણો શું છે?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ને આ વખતે ઝટકો લાગ્યો છે. અણ્ણા આંદોલનમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ 2013માં પહેલીવાર ચૂંટણી લડીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ પાર્ટીએ દિલ્હીમાં 26 સીટો જીતી હતી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર પણ બનાવી હતી. આ પછી, પાર્ટીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં 67 અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં 62 બેઠકો જીતી હતી. આ વખતે પાર્ટી લગભગ 25 સીટો સુધી સીમિત દેખાઈ રહી છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે. પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. ચાલો જાણીએ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હારના મુખ્ય પાંચ કારણો શું હતા?
અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપો
દિલ્હીમાં સત્તામાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના વચન સાથે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા હતા. જ્યારે અરવિંદ કેજરીવાલ સીએમ હતા ત્યારે તેમના ઘણા મંત્રીઓ ભ્રષ્ટાચારના મામલામાં ફસાયા હતા અને રાજીનામું આપવું પડ્યું હતું. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ દારૂ કૌભાંડનો આરોપ લાગ્યો હતો. અરવિંદ કેજરીવાલ જ્યારે સીએમ હતા ત્યારે તેમને આ આરોપોમાં જેલ પણ જવું પડ્યું હતું. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પણ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા. આના કારણે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પક્ષ તરીકે સામાન્ય લોકોમાં આમ આદમી પાર્ટીની સ્પષ્ટ છબી ઉભરી આવી. આ ચૂંટણીમાં હારનું મુખ્ય કારણ પણ આ રહ્યું છે.
દિલ્હીમાં પાણી પુરવઠાની સમસ્યા
આમ આદમી પાર્ટીની સરકારમાં પાણી પુરવઠાની નબળી વ્યવસ્થા સામે પણ લોકો નારાજ હતા. ઘરોમાં સમયસર પાણી પહોંચતું ન હતું. જો પાણી વચ્ચે-વચ્ચે આવતું હોય તો પણ તે પીવા કે કપડાં ધોવા માટે યોગ્ય ન હતું. દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવતા પાણીથી ગૃહિણીઓ નારાજ હતી. ઉનાળા દરમિયાન પાણીના ટેન્કરો માટે લડાઈ થતી હતી. લોકો કલાકો સુધી ટેન્કરની રાહ જોતા ઉભા રહેતા હતા. આમ આદમી પાર્ટીની હારનું મુખ્ય કારણ પણ પાણીની સમસ્યા હતી.
દિલ્હીમાં પ્રદૂષણની અસર
રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણની સમસ્યા વધી જાય છે. આ સમસ્યા સામાન્ય માણસથી લઈનેદરેક વ્યક્તિ સુધી દરેકને પરેશાન કરે છે. દિલ્હીના પ્રદૂષણ માટે કેજરીવાલ સરકાર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરી નહિ. કેજરીવાલ સરકારે હંમેશા આ સમસ્યા માટે કેન્દ્રને જવાબદાર ગણાવતાં રહ્યાં અને હંમેશા તેમની જવાબદારી ટાળી.
લેફ્ટનન્ટ ગવર્નર અને પીએમ મોદી સાથે મુશ્કેલી
જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકારના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કોઈ પણ સરકારી કામ પૂર્ણ ન થવા માટે સીધા ઉપરાજ્યપાલ (LG)ને દોષી ઠેરવતા હતા. આ માટે તે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આરોપ-પ્રત્યારોપની રમત રમતા હતા. અરવિંદ કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નર સાથે દરેક મુદ્દા પર દલીલો કરતા હતા. લેફ્ટનન્ટ ગવર્નરની સાથે અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીની આકરી ટીકા કરી હતી. અરવિંદ કેજરીવાલે ક્યારેય પીએમ મોદી અને કેન્દ્ર સરકારના કામની પ્રશંસા કરી નથી. દિલ્હીમાં કેજરીવાલની હારનું આ પણ એક મોટું કારણ બની ગયું છે.





















