(Source: ECI/ABP News/ABP Majha)
Afghanistan Crisis: PM મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 45 મિનિટ સુધી ફોન પર થઈ વાત, અફઘાનિસ્તાન પર થઈ ચર્ચા
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 45 મિનિટ સુધી ફોન પર ચર્ચા કરી હતી.
અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ છે તેના કારણે વિશ્વનાં કેટલાય દેશોની ચિંતા વધી છે ત્યારે ભારત માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન અને તાલિબાન ખૂલીને એકબીજાનું સમર્થન કરે છે અને પાકિસ્તાન અત્યારે તાલિબાન શાસન બાદ ગેલમાં આવી ગયું છે ત્યારે ભારત સામે મોટો પડકાર ઊભો થયો છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 45 મિનિટ સુધી ફોન પર ચર્ચા કરી હતી. પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે આજે 45 મિનિટ સુધી વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા PM મોદીએ જર્મનીનાં ચાન્સેલર એન્ગેલા માર્કેલ સાથે પણ ફોન પર વાતચીત કરી હતી.
PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું આજે અફઘાનિસ્તાન મુદ્દે તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે વિગતે ચર્ચા કરી છે તે સિવાય પણ દ્વિપક્ષીય મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી છે જેમાં કોરોના વાયરસ સામે ભારત અને રશિયાનો સહયોગ જેવા મુદ્દા સામેલ છે. PM મોદીએ એલાન કર્યું કે બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ વિષયો પર એકબીજાની સલાહ મુદ્દે સહમતી બની છે.
નોંધનીય છે કે અફઘાનિસ્તાનથી પોતાની સેનાની પીછેહઠ બાદ અમેરિકા ઘણા દેશોનાં નિશાને આવી ગયું છે અને એવામાં રશિયા પણ અમેરિકાની ટીકા કરી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચેનાં આ સંવાદને વિશ્વભરમાં એક મોટા સંદેશનાં રૂપમાં જોવામાં આવશે તેવી શક્યતાઓ છે.
અફઘાનિસ્તાનમાં યૂક્રેનનું એક વિમાન હાઈજેક, રેસ્ક્યૂ કરવા આવેલ વિમાનને ઈરાન લઈ જવાયાનો દાવો
યૂક્રેનનું એક વિમાન અફઘાનિસ્તાનમાં હાઇજેક થયું છે. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે વિમાન હાઇજેક થયું હતું. એવો દાવો કરવામાં આવે છે કે યૂક્રેનનું વિમાન તેના લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે આવ્યું હતું. દાવો કરવામાં આવે છે કે વિમાન અપહરણ બાદ ઈરાન લઈ જવામાં આવ્યું છે.
યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, યૂક્રેનવાસીઓને બહાર કાઢવા માટે રવિવારે યૂક્રેનનું એક વિમાન કાબુલ પહોંચ્યું હતું. આ પછી કેટલાક સશસ્ત્ર લોકો તેને પકડીને ઈરાન લઈ ગયા. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીનું કહેવું છે કે વિમાન ચોરાઈ ગયું છે.
આ ઘટના બાદ વિમાનમાં બાકીના લોકોનું શું થયું તે અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. યૂક્રેનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું છે કે પ્લેન હાઇજેકથી બચાવ અને રાહત કાર્યમાં પણ અવરોધ આવ્યો છે.
આ ઘટના પરથી અંદાજ લગાવી શકાય છે કે કાબુલના એરપોર્ટ પર કેવા પ્રકારની અફરાતફરી છે. વિમાન હાઈજેક કરી રહ્યું હોવાના સમાચાર છે. સાથે જ આ મામલે ઈરાનના પ્રતિભાવની પણ રાહ જોવાઈ રહી છે. યૂક્રેનનું આ જહાજ ઈરાન તરફ ગયું છે કે કેમ તે અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.