COVID-19 Cases Today: દેશમાં કોરોનાએ માર્થો ઉથલો, 114 દિવસ બાદ 43 હજારથી વધારે કેસ નોંધાતા ફફડાટ
Coronavirus India Update: દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,846 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે.
નવી દિલ્હીઃ દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ચાલી રહ્યું હોવા છતાં કોરોનાના કેસ રોકેટ ગતિથી વધી રહ્યા છે. 114 દિવસ બાદ પ્રથમ વખત 43 હજારથી વધારે કેસ નોંધાયા છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,846 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી એક જ દિવસમાં 197 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,99,130 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,30,087 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,09,087 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,755 પર પહોંચ્યો છે.
દેશમાં 4,46,03,841 લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ હતી. રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આપવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા છે, જ્યારે રિકવરી રેટ આશરે 96 ટકા છે.
કોરોનાના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. દેશના કેટલાક એવા રાજ્યો છે, જ્યાં કોરોનાથી સંક્રમિત એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જેમાં અંદામાન નિકોબાર, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, દાદા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ, ત્રિપુરાનો સમાવેશ થાય છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.
દેશમાં કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રસી કેટલો સમય માટે કોરોનાથી રક્ષણ આપે છે તે સવાલ ખૂબ જ મહત્વનો છે. આ સંદર્ભમાં એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, રસી આઠથી ૧૦ મહિના માટે કોરોના સામે રક્ષણ આપે તેવી શક્યતા છે.તેમણે ઉમેર્યું કે, દેશમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાનું કારણ એ છે કે લોકોને એમ લાગવા માંડયું કે, કોરોના મહામારી ખતમ થઈ ગઈ છે. આથી તેઓ કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન નથી કરી રહ્યા. કોરોનાના કેસમાં અચાનક ઊછાળાના અનેક કારણો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે કોરોનાના સંદર્ભમાં લોકોનું વલણ બદલાઈ ગયું છે.