Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
અંબાલાલ પટેલ અનુસાર, તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
Gujarat Weather : ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 9થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી, રાજકોટના ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.
અંબાલાલ પટેલ અનુસાર, તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જેથી પતંગરસીયાઓની મજા બગડશે. 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે.
ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.
કમોસમી વરસાદ થવાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે.
દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ
ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે રાજધાની દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. વિઝિબિલિટી શુન્ય હોવાથી ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા હેડલાઈટ ચાલુ કરીને વાહનો ચલાવવા પડે છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે 100થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી.
આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી રાજ્યમાં ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે. અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા ઓછી થવાના પગલે ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે.
દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો
દિલ્હી-NCR સહિત દેશના તમામ રાજ્યો આ દિવસોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે દેશના તમામ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનને કારણે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે પવન અને વરસાદ 6 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી