Ajit Doval : UCCની તૈયારીઓ વચ્ચે 'જેમ્સ બોન્ડ'નો માસ્ટર સ્ટ્રોક
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે આજે મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અને સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ન્યાયમંત્રી ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા સાથે મુલાકાત કરી હતી.
NSA Ajit Doval Speech: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે આજે મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અને સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ન્યાયમંત્રી ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ડોભાલે ભારતમાં મુસ્લિમ ધર્મ ખતરામાં હોવાની અફવાને લઈને પણ સ્પષ્ટીકરણ કર્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ભારત આતંકવાદથી પીડિત છે. સૌથી મહત્વની વાત એ છે ડોભાલની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હલચલ તેજ થઈ ગઈ છે.
NSA અજીત ડોભાલે સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ ન્યાયમંત્રીને કહ્યું હતું કે, ભારત ઘણા દાયકાઓથી આતંકવાદનો શિકાર છે. દેશે 2008 (મુંબઈ હુમલો) સહિત ઘણા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. ભારત તેના સુરક્ષા ઉપકરણને મજબૂત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે અન્ય દેશો સાથે સહયોગ સહિત વિવિધ માધ્યમો દ્વારા આતંકવાદ સામે લડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે.
ડોભાલે મુસ્લિમ ધર્મને લઈને કહ્યું હતું કે, ભારતમાં કોઈ ધર્મને ખતરો નથી. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. ભારત તમામ મુદ્દાઓના ઉકેલ માટે સહિષ્ણુતા, સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારતમાં દરેકને સમાન અધિકાર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઈ સંયોગ નથી કે લગભગ 200 મિલિયન મુસ્લિમોનું ઘર હોવા છતાં વૈશ્વિક આતંકવાદમાં ભારતીય નાગરિકોની ભાગીદારી અવિશ્વસનીય રીતે ઓછી છે.
અજીત ડોભાલે શું કહ્યું?
ડોભાલે કહ્યું હતું કે, ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત તમામ ધર્મોને સ્થાન આપવામાં સફળ રહ્યું છે. અમે દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છીએ. અમારા દેશની મુસ્લિમ વસ્તી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના 33 સભ્યો જેટલી છે. તેમણે કહ્યું હતું કે, પવિત્ર કુરાન વિવિધ પૃષ્ઠભૂમિના લોકો વચ્ચે એકતા અને સમજણના મહત્વ પર ભાર મૂકે છે.
ડૉ.મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ શું કહ્યું?
ડૉ.મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ કહ્યું હતું કે, અમે ભારતના ઈતિહાસ અને વિવિધતાની પ્રશંસા કરીએ છીએ. વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદ સ્થાપિત કરવો એ સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, ભારત હિંદુ બહુમતી રાષ્ટ્ર હોવા છતાં પણ ધર્મનિરપેક્ષ દેશ છે. આ સ્થિતિમાં ભારતીય મુસ્લિમોને ભારતીય હોવા પર ગર્વ છે.