'ઓપરેશન સિંદૂર' પર અજમેર દરગાહના સૈયદ નસીરુદ્દીન ચિશ્તીનું મોટું નિવેદન, 'પાકિસ્તાનમાં ઘૂસીને...'
ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના પ્રમુખે ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી; પહેલગામ હુમલા બાદ ભારતના જવાબદાર નિર્ણયને વખાણ્યો.

India Pakistan news today: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હોવા છતાં, કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની ચર્ચાઓ યથાવત્ છે. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઘટનાક્રમ પર, અજમેર દરગાહ સ્થિત ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના પ્રમુખ સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ એક મોટું અને ગર્વભર્યું નિવેદન આપ્યું છે.
સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ 'ઓપરેશન સિંદૂર'ને ભારત માટે એક મોટી સિદ્ધિ ગણાવતા ભારતીય સેનાની બહાદુરીને બિરદાવી છે. તેમણે જણાવ્યું કે, "દેશના લોકોને ગર્વ છે કે આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો."
નસીરુદ્દીન ચિશ્તીએ ભારતના વલણ અંગે કહ્યું, "પહલગામ હુમલા પછી ભારતે જવાબદારી સાથે લીધેલા નિર્ણયો દર્શાવે છે કે ભારત એક જવાબદાર દેશ છે. ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ જ્યારે ભારતના આત્મસન્માન, સુરક્ષા અને તેના નાગરિકોની સલામતીની વાત આવે છે, ત્યારે ભારત શૂન્ય સહિષ્ણુતાની નીતિ પર કામ કરે છે." તેમણે ઉમેર્યું કે, "જેનું ઉદાહરણ પહલગામ હુમલા પછી ભારતીય દળોએ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા કરીને આતંકવાદી છાવણીનો નાશ કર્યો."
Ajmer, Rajasthan: Chairman of the All India Sufi Sajjadanashin Council, Syed Naseruddin Chishty says, "After the Pahalgam attack, the steps taken by India with great responsibility show that India is a responsible country and a peace-loving nation. However, when it comes to… pic.twitter.com/dZsUacZB04
— IANS (@ians_india) May 12, 2025
'ઓપરેશન સિંદૂર એક મોટી સિદ્ધિ છે':
ચિશ્તીએ 'ઓપરેશન સિંદૂર'ના મહત્વ પર ભાર મૂકતા કહ્યું, "ઓપરેશન સિંદૂર ભારત માટે ખૂબ જ મોટી સિદ્ધિ છે, સેના માટે એક મોટી સિદ્ધિ છે અને દેશના લોકોને ગર્વ છે કે સેનાએ પોતાની બહાદુરી બતાવી અને આપણી માતાઓ અને બહેનોના સિંદૂરના વિનાશનો બદલો લીધો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો."
ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ ૬ અને ૭ મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી ઠેકાણાઓને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા. આ કાર્યવાહી ભારતના આતંકવાદ સામેના મજબૂત વલણ અને પોતાની સુરક્ષા માટે કોઈ પણ ભોગે સમાધાન ન કરવાની નીતિનું પ્રતિક છે. ચિશ્તીનું આ નિવેદન ભારતીય સેનાની કાર્યવાહીને વ્યાપક જનસમર્થન અને ધાર્મિક નેતૃત્વ તરફથી મળતા સમર્થનને પણ પ્રતિબિંબિત કરે છે.





















