(Source: ECI/ABP News/ABP Majha)
UP Politics : વિધાનસભામાં અખિલેશ યાદવ સંભાળશે ભાજપ વિરુદ્ધ મોરચો, ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો સંભાળશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો સંભાળશે. શનિવારે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ કરહાલ વિધાનસભા પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
નોંધનીય છે કે આજે લખનઉમાં સવારે 11 વાગ્યાથી સમાજવાદી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી. બેઠકમાં વરિષ્ઠ ધારાસભ્ય અવધેશ પ્રસાદ દ્વારા વિપક્ષના નેતાની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે તેને આલમ બાદીએ મંજૂરી આપી હતી. બીજી તરફ વિધાનમંડળ પક્ષના નેતાની દરખાસ્ત લાલજી વર્માએ કરી હતી. આ સાથે જ વિધાન પરિષદની દરખાસ્ત રાજેન્દ્ર ચૌધરીએ કરી હતી. આજે લખનઉમાં યોજાનારી આ બેઠક માટે છેલ્લા ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી કે વિપક્ષના નેતાની કમાન કોણ સંભાળશે. કારણ કે શિવપાલ યાદવનું નામ મોખરે ચાલી રહ્યું હતું. જોકે, તેમને આ બેઠકમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું. તેના પર શિવપાલે કહ્યું કે તેઓ બે દિવસથી મીટિંગની રાહ જોઈ રહ્યા હતા.
અખિલેશ યાદવ કરહાલ વિધાનસભાથી ચૂંટણી જીત્યા છે. તેમણે આઝમગઢના સાંસદ પદ પરથી રાજીનામું આપીને ધારાસભ્ય રહેવાનું પસંદ કર્યું છે. સમાજવાદી પાર્ટી (SP) ભલે રાજ્યમાં સત્તા મેળવવામાં સફળ ના થઇ પરંતુ ધારાસભ્યોની સંખ્યા વધી છે. આવી સ્થિતિમાં મુખ્ય વિરોધ પક્ષ એસપી છે. નોંધનીય છે કે યોગી સરકારની નવી કેબિનેટે શુક્રવારે શપથ લીધા છે. શપથગ્રહણના બીજા જ દિવસે એટલે કે આજે સીએમ યોગી આદિત્યનાથે તેમની નવી કેબિનેટ સાથે પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવેલ મફત રાશન યોજનાને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.