પતિએ પત્નિ પાસે શરીર સુખ માણતાં પહેલાં પત્નિની મંજૂરી લેવી જરૂરી છે ? મેરિટલ રેપ અંગે હાઈકોર્ટે શું કહ્યું ?
હાઇકોર્ટના ન્યાયાધીશ સી હરિશંકરે કહ્યું હતું કે, પત્ની પાસે સેક્સની ઇચ્છા રાખવી તે પતિનો અધિકાર છે. આ અધિકાર લગ્ન વગરના યુગલોને નથી આપવામાં આવ્યો.
નવી દિલ્લીઃ દિલ્લી હાઇકોર્ટે મેરિટલ રેપ અંગે મહત્વની નિરીક્ષણ કર્યું છે કે, સ્ત્રી અને પુરૂષનાં લગ્ન થઇ ગયા હોય તો એવા કિસ્સામાં પાર્ટનરને એકબીજા પાસે સેક્સ એટલે કે શરીર સુખ માણવાની ઇચ્છા રાખવાનો અધિકાર છે. સ્ત્રી અને પુરૂષનાં લગ્ન ના થયા હોય ને બંને લિવ ઈનમાં કે બીજી કોઈ રીતે સાથે રહેતાં હોય તો પાર્ટનર્સને એકબીજા પાસે સેક્સ એટલે કે શરીર સુખ માણવાની ઇચ્છા રાખવાનો અધિકાર નથી.
દિલ્લી હાઇકોર્ટમાં મેરિટલ રેપ એટલે વિવાહિત જીવનમાં બળાત્કારને લઇને અનેક અરજીઓ થઇ છે. આ અરજીઓની સુનાવણી વેળાએ હાઇકોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે મેરિટલ રેપને અપરાધ જાહેર કરવાનું સમર્થન કરનારા કોર્ટ મિત્ર દ્વારા વારંવાર પત્નિની મંજૂરી જેવા શબ્દોનો પ્રયોગ કરાઇ રહ્યો હતો. આ કારણે ભડકેલા હાઇકોર્ટના ન્યાયાધીશ સી હરિશંકરે કહ્યું હતું કે, પત્ની પાસે સેક્સની ઇચ્છા રાખવી તે પતિનો અધિકાર છે. આ અધિકાર લગ્ન વગરના યુગલોને નથી આપવામાં આવ્યો.
ન્યાયાધીશે કહ્યું કે લગ્નના બંધનમાં બંધાયેલા લોકો એકબીજા સમક્ષ સેક્સની ઇચ્છા ધરાવી શકે છે અને આ તેમનો અધિકાર પણ છે. જેની સાથે લગ્ન નથી થયા તેની પાસે આ પ્રકારની આશા તો રાખી શકાય છે પણ તેના પર અધિકાર ન બતાવી શકાય. મેરિટલ રેપને અપરાધ ગણવાની માગ કરતી અરજીની સુનાવણી વેળાએ એમિકસ ક્યૂરી રેબેકા જોને પત્નિની સહમતિ શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો હતો.
આ મુદ્દે જજે અસહમતી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સંસદે પતિઓને સંરક્ષણ પ્રદાન કરવા માટે ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 375માં વર્ણિત અપવાદને ન્યાયોચિત ઠેરવવા માટે કેટલાક તર્કબધ્ધ આધાર આપ્યા જ છે. સહમતિ, સહમતિ જેવા શબ્દોનો પ્રયોગ કરીને આપણે પૂરી દલીલોને અને કાયદામાં અપાયેલા તર્કોને ગૂંચવી રહ્યા છીએ. આપણે એ હકિકત સામે આંખ આડા કાન ન કરી શકીએ કે સંસદ બંધારણને ધ્યાનમાં રાખીને જ કાયદા ઘડે છે. ખાસ કરીને એક કેસમાં આપણે એવી કોઇ જોગવાઇને રદ ન કરી શકીએ કે જેમાં અપરાધ નથી જણાતો.