મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરનો આરોપ- મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો 100 કરોડ વસૂલવાનો ટાર્ગેટ, અનિલ દેશમુખે આપી આ પ્રતિક્રિયા
અનિલ દેશમુખે ટ્વિટ કરી કહ્યું કે, "પરમબીર સિંહે પોતાના બચાવવા માટે અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. મુકેશ અંબાણી કેસની સાથે સાથે મનસુખ હિરેન હત્યા કેસમાં સચિન વાઝેની સંડોવણી સ્પષ્ટ થઈ રહી છે અને તેના તાર પરમબીર સિંહ સાથે જોડાયેલા છે. "
મુંબઈ: મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર મોટો આરોપ લગાવ્યો છે. પૂર્વ કમિશનરે કહ્યું કે અનિલ દેશમુખે સચિન વાઝે પાસે દર મહિને 100 કરોડ રૂપિયાની માંગ કરી હતી. બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી વસુલવા કહ્યું હતું. પરમબીર સિંહના આરોપો પર રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે. પરમબીર સિંહના આરોપોને અનિલ દેશમુખે ફગાવી દિધા છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહે પોતાને બચાવવા માટે ખોટા આરોપ લગાવ્યા છે.
અનિલ દેશમુખે ટ્વિટ કરી કહ્યું કે, "પરમબીર સિંહે પોતાના બચાવવા માટે અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ખોટા આરોપ લગાવ્યા છે. મુકેશ અંબાણી કેસની સાથે સાથે મનસુખ હિરેન હત્યા કેસમાં સચિન વાઝેની સંડોવણી સ્પષ્ટ થઈ રહી છે અને તેના તાર પરમબીર સિંહ સાથે જોડાયેલા છે. "
પરમબીર સિંહે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર રાજ્યમાં રાજકીય ભૂકંપ લાવી શકે છે. પોતાના પત્રમાં પરમબીર સિંહે અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ તરફથી દબાણ હતું કે તેમને 100 કરોડ રૂપિયા દર મહિને જોઈએ. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ રૂપિયાનો ટાર્ગેટ સચિન વાઝેનો આપવામાં આવ્યો હતો.
આ સાથે જ પરમબીર સિંહે લખ્યું કે આ ટાર્ગેટને પૂરો કરવા માટે મુંબઈના બાર, પબ અને રેસ્ટોરન્ટ પાસેથી રૂપિયા વસૂલવા કહેવામાં આવ્યું હતું. પત્ર મુજબ આ ટાર્ગેટ પર સચિન વાઝેએ કહ્યું હતું કે તેઓ 40 કરોડ પૂરા કરી શકે છે પરંતુ 100 કરોડ ખૂબ જ વધારે છે. પરમબીર સિંહે દાવો કર્યો છે કે 100 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા અનિલ દેશમુખે સચિન વાઝેને બીજા વિકલ્પો પર વિચાર કરવા કહ્યું હતું.
પરમબીર સિંહે ક્યા-ક્યા આરોપ લગાવ્યા ?
અનિલ દેશમુખે સચિન વાઝેને ઘણી વખત ઘરે મળવા બોલાવ્યા
અનિલ દેશમુખે સચિન વાઝેને ફંડ એકઠુ કરવા માટે કહ્યું
અનિલ દેશમુખે દર મહિને સચિન વાઝેને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હતો.
દરેક બીયર બાર, પબમાંથી 2-3 લાખ રૂપિયા વસૂલવા કહ્યું હતું.
હુક્કા પાર્લર પર પણ દરોડા પાડવા કહ્યું હતું