Delhi Elections: શું અરવિંદ કેજરીવાલની માંગ પૂરી થશે? નવેમ્બરમાં દિલ્હીની ચૂંટણી અંગે ECI એ આપ્યો જવાબ
ECI On Delhi Assembly Election: સીએમ અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે નવેમ્બરમાં યોજવી જોઈએ. કેમ કે ફ્રેબ્રુઆરી 2025માં દિલ્હીમાં ચૂંટણી યોજાવાની છે.
ECI On Delhi Assembly Election: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આવતા વર્ષે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે (15 સપ્ટેમ્બર) રાજકીય જુગાર રમ્યો છે. જેમાં તેમણે કહ્યું કે તેઓ બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. આ દરમિયાન કેજરીવાલે માંગ કરી છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ નવેમ્બરમાં યોજવી જોઈએ. જો કે હવે ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચનું કહેવું છે કે હાલમાં દિલ્હીમાં સમય પહેલા ચૂંટણી યોજવાની કોઈ શક્યતા નથી. સૂત્રો કહે છે કે આટલા ઓછા સમયમાં વહેલી વિધાનસભાની ચૂંટણી શક્ય નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં જ કરાવો
તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પાસે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી કરાવવામાં આવે. વાસ્તવમાં ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તારીખો હજુ જાહેર કરી નથી, પરંતુ હરિયાણાની જાહેરાત થઈ ચૂકી છે.
અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી 'કૌભાંડ' કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ રવિવારે આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ.
મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આજથી બે દિવસ પછી હું રાજીનામું આપવા જઈ રહ્યો છું, હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેશું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો ન આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેજરીવાલે કહ્યું, કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો. આ પરિસ્થિતિઓ પણ જોઈ છે.
જો તમને લાગે કે કેજરીવાલ પ્રમાણિક છે તો મારી તરફેણમાં ભારે મતદાન કરો. ફેબ્રુઆરીમાં ચૂંટણી છે. મારી માંગ છે કે ચૂંટણી તાત્કાલિક યોજવી જોઈએ. નવેમ્બરમાં મહારાષ્ટ્રની સાથે ચૂંટણી યોજવી જોઈએ. નવા મુખ્યમંત્રીની ચૂંટણી આગામી 1-2 દિવસમાં થવી જોઈએ. મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું છે કે તેઓ ડેપ્યુટી સીએમ અને એજ્યુકેશન મિનિસ્ટરનો હોદ્દો પણ જનતાની કોર્ટ દ્વારા ચૂંટાયા બાદ જ સંભાળશે.