વિધાનસભાની પેટાચૂંટણીમાં પરાજયના પગલે ભાજપના આ બે મુખ્યમંત્રીઓને કરાશે ઘરભેગા ? જાણો વિગત
ભાજપ શાસિત બે રાજ્યો કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં ભાજપની ભૂંડી હાર બાદ બંને રાજ્યોમાં મુખ્યમંત્રી જોખમમાં આવી ગયું છે
નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં ૧૩ રાજ્યોની ૨૯ વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો પર મંગળવારે જાહેર થયેલા પરિણામો ભાજપ માટે આંખ ઉઘાડનારા સાબિત થયા છે. હિમાચલ અને બંગાળમાં ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જોકે, આસામે ભાજપની લાજ રાખી હતી તેમજ બિહાર અને પૂર્વોત્તરના રાજ્યોએ એનડીએને વધુ બેઠકો અપાવી હતી. ૨૯ વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસે સૌથી વધુ આઠ બેઠક જીતીને ભાજપને આગામી ચૂંટણીઓ માટે સીધો પડકાર ફેંક્યો છે. વિધાનસભા બેઠકોમાં પક્ષ તરીકે કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી છે જ્યારે સાથી પક્ષોની મદદથી એનડીએએ ૩૦માંથી કુલ ૧૧ બેઠકો જીતી હતી.
પેટા ચૂંટણીઓમાં હિમાચલ સિવાય મોટાભાગે રાજ્યોના શાસક પક્ષોનું પ્રભુત્વ રહ્યું હતું. ભાજપ શાસિત બે રાજ્યો કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં ભાજપની ભૂંડી હાર બાદ બંને રાજ્યોમાં મુખ્યમંત્રી જોખમમાં આવી ગયું છે.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને કર્ણાટકના મુખ્યમંત્રીને પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જેમ ઘરભેગા કરવામાં આવી શકે છે તેમ એનડીટીવીના રિપોર્ટમાં જણાવાયું છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે દિવાળી પહેલાં ભાજપને આંચકો આપતા તેના સુપડા સાફ કરી દીધા છે. હિમાચલમાં લોકસભાની એક અને વિધાનસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ બધી જ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવીને ભાજપનો સફાયો કરી નાંખ્યો હતો. રાજ્યમાં ફતેહપુર, જુબ્બલ કોટખાઈ, અર્કી વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી લીધી એટલું જ નહીં, જુબ્બલ કોટખાઈ બેઠક પર તો ભાજપના ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. હિમાચલમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પરાજયથી વિપક્ષ ભાજપ સામે આક્રમક મોડમાં આવી ગયું છે. ભાજપની હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજકીય કદ પર પડશે. જોકે, હિમાચલમાં પક્ષના પરાજયના કારમા પરાજયનું ઠીકરું મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કેન્દ્ર પર ફોડયું છે. તેમણે કહ્યું કે વધતી મોંઘવારીના કારણે ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડયો છે.